ભાસ્કર વિશેષ:મુંબઈ હાઈકોર્ટ દ્વારા એક જ દિવસમાં 190 જેટલાં કેસની સુનાવણીનો વિક્રમ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજ્જુએ જજની સરાહના કરી

કોર્ટ અને હોસ્પિટલનાં પગથિયાં ઘસવાનો વારો કોઈને આવવો નહીં જોઈએ એવું કહેવાતું હોય છે. ખાસ કરીને કોર્ટ કેસની વાત કરીએ તો અમુક પ્રકરણોમાં વર્ષો નીકળી જાય છે, જ્યાં સુધી ઘણું મોડું થઈ ગયેલું હોય છે. દેખીતી રીતે જ ન્યાય મળવામાં વિલંબ થાય તેમ આર્થિક, માનસિક, ભાવનાત્મક હાનિ પહોંચે છે. આથી જ ઘણા લોકો કોર્ટ સુધી મામલો નહીં જાય એવું ચાહે છે, પરંતુ તે છતાં અમુક સંજોગો એવા ઊભા થાય છે કે કોર્ટમાં ગયા વિના છૂટકો રહેતો નથી.

અર્થાત, કોર્ટ દ્વારા પણ લોક અદાલત, આપસી સમજૂતી વગેરે જેવા ઉપાયો થકી ઉકેલ લાવવા છાશવારે પ્રયાસ કરાય છે, પરંતુ કોર્ટ કેસ થાય છે તેની તુલનામાં કોર્ટ અને જજોની સંખ્યા ઓછી પડતી હોવાથી પણ ન્યાય મેળવવામાં વિલંબ થાય છે. હવે ધીમે ધીમે આ સ્થિતિમાં બદલાવ આવી રહેલો દેખાય છે. અમુક રાજ્ય સરકારો જરૂર અનુસાર કોર્ટ વધારી રહી છે. બીજી બાજુ કોર્ટ દ્વારા પણ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મુંબઈ હાઈ કોર્ટની જ વાત કરીએ તો એક દિવસમાં 190 કેસની સુનાવણી લઈને જજે એક પ્રકારનો વિક્રમ જ કર્યો છે, જેની સર્વત્ર સરાહના થઈ રહી છે.

કોર્ટના કામકાજના નિયમિત સમય કરતાં આશરે પાંચ કલાક લધુ કામ કરીને આશરે 190 કેસની વિક્રમી સુનાવણી કરવામાં આવી હતી. હાઈ કોર્ટના જસ્ટિસ એસ એસ શિંદેની ખંડપીઠે આ આ કામગીરી કરી, જેની સર્વત્ર સરાહના થઈ રહી છે.કોર્ટના કામકાજનો સમય સામાન્ય રીતે સવારે 10.30થી સાંજે 4.30 સુધી હોય છે. જોકે જસ્ટિસ શિંદે અને જસ્ટિસ એમ એન જાધવની ખંડપીઠે ગુરુવારે સવારે 10.30થી રાત્રે 8.00 વાગ્યા સુધી કામ કર્યું.

આ દરમિયાન લગભગ 190 કેસની સુનાવણી કરવામાં આવી હતી.કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજ્જુએ આ સુનાવણીની દખલ લીધી હોઈ શુક્રવારે ટ્વીટ કરીને જસ્ટિસ શિંદે અને જસ્ટિસ જાધવની ખંડપીઠની સરાહના કરી. ખંડપીઠે ગુરુવારે રાત્રે 8.00 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખીને 190 કેસની સુનાવણી કરી તેની મને ખુશી છે, એમ તેમણે જણાવ્યું હતું.

ખંડપીઠ સામે કયા કેસ લેવાય છે
જસ્ટિસ શિંદે અને જસ્ટિસ જાધવની ખંડપીઠ સામે ફર્લો અને પેરોલના દાવા પર સુનાવણી થાયછે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમ મંડળે જસ્ટિસ શિંદેની રાજસ્તાન હાઈ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ કરવાની ભલામણ કરી છે. ગુરુવારે તેમની કોર્ટમાં 265 કેસ સુનાવણી માટે હતા. જોકે તે પૂર્ણ નહીં થવાથી તેમણે વધુ કામ કરવાનું નક્કી કર્યું હતું. દિવસભરમાં તેમણે એક કલાક લંચ બ્રેક લીધો હતો. જસ્ટિસ શિંદેની ખંડપીઠ ઉપરાંત જસ્ટિસ એસ વી ગંગાપુરવાલા, જસ્ટિસ પી ડી નાઈક, જસ્ટિસ ભારતી ડાંગરે પણ નિયમિત સમય પછી વધુ સમય અરજીઓ પર સુનાવણી કરતાં હોય છે. જસ્ટિસ કાથાવાલાનું નામ પણ તેમાં ખાસ લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...