સ્ટાર્ટઅપ્સને પીઠબળ મળશે:સ્ટાર્ટઅપ્સ દ્વારા સંશોધિત યંત્રો પાલિકા હોસ્પિટલમાં વપરાશ માટે હવે ઉપલબ્ધ કરાશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્માઈલ કાઉન્સિલ દ્વારા ત્રણ સ્ટાર્ટઅપ્સનાં આધુનિક ઉપકરણો સુપરત કરાયા

મહાપાલિકાએ પ્રોત્સાહિત કરેલી સ્ટાર્ટઅપ્સની પ્રથમ ટુકડીની નાવીન્યપૂર્ણ ટેકનોલોજી પર આધારિત ઉપકરણો મહાપાલિકાની હોસ્પિટલમાં વપરાશ માટે હવે ઉપલબ્ધ કરાશે. સ્માઈલ કાઉન્સિલની બેઠકમાં ત્રણ સ્ટાર્ટઅપ્સનાં ઉપકરણો કમિશનર ડો. ઈકબાલ સિંહ ચહલને સુપરત કરવામાં આવ્યાં. આ પહેલથી અત્યાધુનિક ટેકનોલોજીનાં ઉપકરણો તબીબી સેવાનો દરજ્જો વધારશે અને સ્ટાર્ટઅપ્સને પણ પીઠબળ મળશે, એમ ચહલે આ સમયે જણાવ્યું હતું.

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને નાવીન્યપૂર્ણ સંશોધન કરીને સામાન્ય નાગરિકોને ઉપયોગી વસ્તુઓ, ઉપકરણો અને ટેકનોલોજી પ્રત્યક્ષમાં લાવનારી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા મહાપાલિકાએ સોસાયટી ફોર મુંબઈ ઈન્કયુબેશન લેબ ટુ એન્ટરપ્રેન્યોરશિપ (સ્માઈલ) કાઉન્સિલ બિઝનેસ ઈન્ક્યુબેશન સેન્ટર સુવિધા શરૂ કરી છે.

આ મુજબ ચહલ અને પૂર્વ ઉપનગરનાં એડિશનલ કમિશનર અશ્વિની ભિડેના માર્ગદર્શનમાં 5 સ્ટાર્ટઅપ્સની પ્રથમ ટુકડી ઓગસ્ટ 2021માં શરૂ કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ સ્ટાર્ટઅપ્સે તેમનાં ઉપકરણો સુપરત કર્યાં છે.

ન્યુરોથેરપી સ્ક્રીનર ઉપકરણ
અયાતી ડિવાઈસીસે નવું ન્યુરોથેરપી ઉપકરણ વિકસાવ્યું છે, જે ડાયાબીટીસ પૂર્વ તબક્કામાં ડાયાબાટીસના દર્દીઓની વહેલી તપાસમાં મદદ કરે છે, જેથી દર્દીનો પગ કાપવાની પરિસ્થિતિ ટાળી શકાય છે. આવાં બે ઉપકરણ નાયરમાં શરૂ કરવામાં આવ્યાં છે. આને કારણે સંભવિત ડાયાબીટીસના દર્દીઓ માટે વહેલી અને પ્રતિબંધાત્મક આરોગ્ય ઉપાયયોજના કરવામાં આરોગ્ય વિભાગને મદદ થશે.

જિનો સિક્વેન્સિંગ વિશ્લેષણ
પસંદગી પામેલી ત્રણ સ્ટાર્ટઅપ્સમાં હેસ્ટેક એનાલિટિક્સ ચેપી રોગો માટે વાઈરસ જિનોમ સિક્વેન્સિંગ વિશ્લેષણ પર કામ કરી રહી છે. તેને કસ્તુરબા હોસ્પિટલમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. તેની સેવાથી આરોગ્ય સેવાનો નિર્ણય વધુ ચોકસાઈથી લેવામાં મદદ થશે.

બ્યુટૂથ સક્ષમ સ્ટેથોસ્કોપ
આયુ ડિવાઈસીસે બ્લુટૂથ સક્ષમ સ્ટેથોસ્કોપ વિકસાવ્યું છે. દર્દીનું નિરીક્ષણ કરવા શરીરના ઈચ્છિત અવયવ પર સ્ટેથોસ્કોપ મૂકવામાં અને ચેપી દર્દીની બાબતમાં સુરક્ષિત અંતર રાખવામાં આ ઉપકરણને કારણે મદદ થશે, કારણ કે બ્લૂટૂથ હેડફોન દ્વારા ડોક્ટરોને નિરીક્ષણ સાંભળવામાં મદદ રશે. ખાસ કરીને આ ઉપકરણ સ્વયંચાલિત રીતે દરેક દર્દીની માહિતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધે અને સંગ્રહિત કરે છે. આને કારણે હસ્તલિખિત નોંધની જરૂર દૂર થઈને સમયની પણ બચત થશે. આ ટેકનોલોજીનાં 75 ઉપકરણો મહાપાલિકાની નાયરમાં ઉપલબ્ધ કરાયાં છે.

અન્ય સમાચારો પણ છે...