7 જળાશયમાં 56 ટકા જથ્થો:મુંબઈને પાણી પૂરું પાડતું મોડકસાગર છલોછલ, ગયા વર્ષે મોડકસાગર 22 જુલાઈએ છલકાયું હતું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ સહિત રાજ્યને વરસાદ છેલ્લા કેટલાક દિવસથી ધમરોળી રહ્યો હોવાથી ઠેકઠેકાણે પાણી ભરાઈ ગયાં છે, નદીઓ જોખમી સપાટી વટાવી ચૂકી છે, રસ્તાઓ પર ચંદ્રની સપાટી જેવા ખાડા પડી ગયા છે, વિવિધ દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે ત્યારે બીજી બાજુ મુંબઈગરા માટે મોટી રાહતના સમાચાર છે. મુંબઈને પાણી પુરવઠો કરતાં સાત જળાશયમાંથી મોડકસાગર બુધવારે બપોરે 1.04 વાગ્યે છલકાઈ ગયું હતું.

આટલું જ નહીં, મુંબઈને પાણી પુરવઠો કરતાં સાતેય જળાશયોમાં પૂરતો પાણીનો જથ્થો જમા થયો છે. જો આ જ રીતે વરુણરાજાની મહેર ચાલતી રહેશે તો આગામી વર્ષ સુધી પાણીકાપનું સંકટ ટળી શકે છે. મહાપાલિકા દ્વારા મુંબઈને રોજ 385 કરોડ લિટર (3850 મિલિયન લિટર) પાણી પુરવઠો કરવામાં આવે છે. સાત જળાશયમાંથી આ પાણીપુરવઠો કરવામાં આવે છે. તેમાંથી મોડકસાગર છલાઈ ગું છે.

2021માં 22 જુલાઈએ મધરાત્રે 3.24 વાગ્યે આ તળાશય છલકાયું હતું. 2020માં 18 ઓગસ્ટે રાત્રે 9.24 કલાકે, 2019માં 26 જુલાઈએ અને 2018 તથા 2017માં 15 જુલાઈ અને 2016માં 1 ઓગસ્ટે છલકાયું હતું. આ સર્વ વર્ષની તારીખો જોતાં આ વખતે ચોમાસામાં આ જળાશય થોડા દિવસ પૂર્વે જ છલકાઈ ગયું છે. ખાસ કરીને આ વખતે વરસાદ મોડો પડવા છતાં સ્થિતિ સુધરી રહી છે.

મુંબઈને આખું વર્ષ પાણી ચાલતું રહે તે માટે સાતેય જળાશયોમાં 14,47,363 મિલિયન લિટર પાણીની આવશ્યકતા રહે છે. આ જળાશયોમાંથી રોજ 4200 મિલિયન લિટર પાણીની માગણી સામે મુંબઈને રોજ 3800 મિલિયન લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં તુલસી અને વિહાર જળાશય છે, જ્યારે મોડકસાગર અને તાનસા જળાશય થાણે જિલ્લામાં છે.

81,152.20 કરોડ લિટર પાણી
દરમિયાન મુંબઈને પાણીપુરવઠો કરતાં 8 જળાશયમાં કુલ પાણી સંગ્રહ ક્ષમતા આશરે 1,44,736.3 કરોડ લિટર (14,47,363 મિલિયન લિટર) છે, જેમાં બુધવારે સવારે 6.00 વાગ્યા સુધી કરાયેલી ગણતરી અનુસાર 81,152.20 કરોડ લિટર (8,11,522 મિલિયન લિટર) એટલે કે 56.07 ટકા પાણીનો જથ્થો જમા થયો છે.

કયાં જળાશયમાં કેટલું પાણી
અપ્પર વૈતરણામાં પાણી સંગ્રહ ક્ષમતાના 43.72 ટકા, એટલે કે, 9926.80 કરોડ લિટર (99,268 મિલિયન લિટર), તાનસામાં ક્ષમતાના 66.79 ટકા એટલે કે, 9689.40 કરોડ લિટર (99,894 મિલિયન લિટર), મધ્ય વૈતરણામાં ક્ષમતા 53.90 ટકા એટલે કે, 10,432.20 કરોડ લિટર (1,04,322 મિલિયન લિટર, ભાતસામાં ક્ષમતાના 51.06 ટકા, એટલે કે, 36,611.30 કરોડ લિટર (3,66,113 મિલિયન લિટર), વિહારમાં ક્ષમતાના 53.18 ટકા, એટલે કે, 1473 કરોડ લિટર (14,730 મિલિયન લિટર) અને તુલસીમાં ક્ષમતાના 76.08 ટકા એટલે કે, 612.10 કરોડ લિટર (6121 મિલિયન લિટર) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...