ચળવળકર્તા:કુર્લાની ગુમ મહિલાનું પગેરું 20 વર્ષ પછી પાકિસ્તાનમાંથી મળ્યું

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુબઈમાં નોકરીને નામે એજન્ટે ફસાવી હતી

દુબઈમાં નોકરી માટે ગયા પછી ગુમ થયેલી કુર્લાની મહિલાનું પગેરું સોશિયલ મિડિયાની મદદથી 20 વર્ષ પછી પાકિસ્તાનમાંથી મળ્યું છે. હમીદા બાનો (70) પાકિસ્તાનની હૈદરાબાદ સિટીમાં રહે છે. તેણે તાજેતરમાં કુર્લા ખાતે પરિવારનો સંપર્ક કર્યો હતો. 2002માં દુબઈમાં ઘરનોકરાણી તરીકે નોકરી કરવા માટે મુંબઈમાંથી તે ગઈ હતી.

હમીદાના પરિવાર અનુસાર પાકિસ્તાનમાં ચળવળકર્તા વલીઉલ્લાહ મારૂફ હમીદાને મળ્યો હતો. હમીદાએ જણાવ્યું કે 20 વર્ષ પૂર્વે મુંબઈના એક એજન્ટે તેને દુબઈમાં નોકરીનું વચન આપીને છેતરપિંડી કરી હતી અને તે દુબઈને બદલે પાકિસ્તાન પહોંચી ગઈ હતી. હમીદાએ પાકિસ્તાનની સિંધ પ્રાંતમાં મુખ્ય શહેર હૈદરાબાદમાં રહેવાનું શરૂ કર્યું હતું અને ત્યાર પછી તે સ્થાનિકને પરણી હતી, જેના થકી તેને એક સંતાન છે. જોકે તેના પતિનું પછીથી મૃત્યુ થયું હતું.

હમીદાની વ્યથા સાંભળીને મારૂફે તેનો વિડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધો હતો અને હમીદાને મદદરૂપ થઈ શકે તેવા મુંબઈમાં સામાજિક ચળવળકર્તાની શોધ શરૂ કરી અને આખરે ખફલાન શેખ મળી ગયો હતો.શેખે પોતાના સ્થાનિક ગ્રુપમાં વિડિયો વિતરણ કર્યો હતો અને હમીદાની પુત્રી યાસ્મીન બશીર શેખને શોધી કાઢી હતી, જે કુર્લાના કસાઈવાડામાં રહે છે.

મારા માતા એજન્ટ થકી નોકરી માટે 2002માં દુબઈ ગઈ હતી. જોકે એજન્ટની બેદરકારીને લીધે તે પાકિસ્તાન પહોંચી ગઈ હતી. આ પછી તેનો કોઈ પત્તો અમને મળ્યો નહોતો. એજન્ટ થકી ફક્ત એક વાર તેનો સંપર્ક થઈ શક્યો હતો. ભૂતકાળમાં હમીદા ઘરકામ માટે કતારમાં પણ જઈ આવી હતી.

જોકે અમારી માતા જીવંત અને સુરક્ષિત છે તેની અમને ખુશી છે. અમે હવે તેને પાછી લાવવા ભારત સરકાર મદદ કરે એવું ચાહીએ છીએ, એમ યાસ્મિને જણાવ્યું હતું. પરિવાર હમીદાને પાછી મુંબઈમાં સુરક્ષિત લાવવા માટે પાકિસ્તાન હાઈ કમિશનનો સંપર્ક કરવા વિચારી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...