પુનઃમિલન:પંઢરપુરમાં ગુમ થયેલા 1600થી વધુ યાત્રાળુઓને મિસિંગ સેલે શોધી કાઢ્યા

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ પછી યોજાયેલી આ યાત્રા માટે પોલીસે વિશેષ કક્ષ સ્થાપ્યો હતો

કોરોનાને કારણે લોકડાઉન બે વર્ષ પછી ખૂલી જતાં ભગવાન વિઠ્ઠલના લાખ્ખો ભક્તો 2022ની આષાઢી એકાદશીના રોજ તેમના ભગવાનનાં દર્શન કરી શક્યા હતા, જે દરમિયાન લાખ્ખોની ભીડ થતી હોવાથી સ્વાભાવિક રીતે લોકો ગુન થવાના કિસ્સા વધતા હોવાથી પોલીસે વિશેષ કક્ષની સ્થાપના કરી હતી, જેણે 1600થી વધુ ગુમ થયેલા યાત્રાળુઓનું તેમના સંબંધીઓ અને મિત્રો સાથે પુનઃમિલન કરી આપ્યું હતું.

સોલાપુરનાં એસપી તેજસ્વી સાતપુતે દ્વારા પંઢરપુરની પ્રસિદ્ધ યાત્રા દરમિયાન સંબંધીઓ અથવા સાથીઓથી વિખૂટા પડી જતા બાળકો અને વરિષ્ઠ નાગરિકોનું પુનઃમિલન કરાવી આપવા માટે મિસિંગ સેલ અને તીર્થક્ષેત્ર ચોકીઓ સ્થાપવામાં આવી હતી.પશ્ચિમ મહારાષ્ટ્રમાં દર વર્ષે ભગવાન વિઠ્ઠલના ભક્તો પંઢરપુરમાં અનેક કિલોમીટર સુધી ચાલીને આવે છે. હિંદુ તિથિમાં આષાઢના 11મા દિવસે યાત્રાળુઓ અથવા વારકરીઓ ભગવાનનાં દર્શન કરે છે. 2020 અને 2021માં મહામારીને કારણે બે વર્ષ આ યાત્રા પણ બંધ હતી.

આ વર્ષે નિયંત્રણો ઉઠાવાતાં મહારાષ્ટ્ર અને પાડોશી રાજ્યોમાંથી 10 જુલાઈના આષાઢી એકાદશી પર 15 લાખથી વધુ યાત્રાળુ આવ્યા હતા. મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવવાના હોવાથી અનેક લોકો તેમના સંબંધીઓથી છૂટા પડી જવાની સંભાવના પોલીસે અગાઉથી ભાંખી લીધી હતી. આથી તેજસ્વી સાતપુતેએ વિશેષ મિસિંગ સેલ્સ સ્થાપવાનો વિચાર વહેતો મૂક્યો હતો. આવા પાંચ કક્ષ અને અડઝો ડઝન તીર્થક્ષેત્ર ચોકીઓ સ્થાપવામાં આવ્યાં હતાં. સેલ અને ચોકીઓની મદદથી અમે 1640 લોકોને તેમના સંબંધીઓ સાથે પુનઃમિલન કરાવી શક્યા છીએ, એમ સાતપુતેએ જણાવ્યું હતું. ગુમ થયેલામાં 72 બાળકોનો સમાવેશ થતો હતો.

મિસિંગ સેલ જમીનના સ્તરેથી થોડી ઊંચાઈ પર સ્થાપવામાં આવ્યા હતા, જેથી લોકો ગમે ત્યાંથી તે આસાનીથી જોઈ શકે. અમારા સ્વયંસેવકોને પંઢરપુરમાં યાત્રાળુઓ આવવા પૂર્વે જ વિશેષ તાલીમ આપવામાં આવી હતી. વારકરીઓના સમૂહના આગેવાનોને આ સુવિધા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઘણા બધા લોકો મિસિંગ સેલમાં આવવા લાગ્યા હતા. કોઈ મદદ માટે તો કોઈ ગુમ થયેલા સ્વજન વિશે જાણકારી આપવા માટે. આથી આ સેલ સ્થાપવાનું મહત્ત્વ સિદ્ધ થયું હતું. તીર્થક્ષેત્ર ચોકીઓમાં યાત્રાળુઓને શહેર, રસ્તાઓ, શૌચાલયનાં સ્થળ, પીવાના પાણીની સુવિધા વગેરે વિશે વાકેફ કરવામાં આવતા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

પંઢરપુરની માંડ એક લાખની વસતિ
આજકાલ ઘણા બધા લોકો પાસે મોબાઈલ ફોન છે, પરંતુ લાખ્ખો લોકો ભેગા થતા હોવાથી નેટવર્ક જામ થઈ જાય છે અને મોબાઈલ ફોનથી કોલ કરવાનું મુશ્કેલ બને છે. મોબાઈલ ટાવરો પર વધુ ભાર આવતો હોવાથી વધારાના મોબાઈલ ટાવરો અમે ગોઠવી રાખ્યા હતા. પંઢરપુરની વસતિ માંડ એક લાખ છે અને 18 જુલાઈના રોજ પંઢરપુરમાં લગભગ 15 લાખ લોકો ભેગા થયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

બૂસ્ટર ડોઝ લીધેલાનો જ બંદોબસ્ત
દરમિયાન પોલીસ અધિકારીઓએ 75 પાકીટમાર અને ચોરોની ટોળકીઓને પણ પકડી પાડવામાં આવી છે. આ લેભાગુઓને પકડવા માટે સાદા વેશમાં પોલીસો ગોઠવી દેવાયા હતા. સાતપુતેએ ભીડને સાચવવા માટે અન્ય જિલ્લામાંથી વધારાનું પોલીસ બળ મગાવી લીધું હતું. ખાસ કરીને કોવિડ-19ના ડરને લીધે મેં સોલાપુરમાં તહેનાત કરાયેલા દરેક પોલીસોને બંદોબસ્તમાં જોડાવા પૂર્વે બૂસ્ટર ડોઝ લેવા માટે જણાવ્યું હતું. અમે કમસેકમ 15 દિવસ પૂર્વે ડોઝ લીધો હોય તેમને જ સેવામાં લીધા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...