ભાસ્કર વિશેષ:મ્હાડા હવે હોસ્પિટલ, પ્રાણીના નિવાસ બનાવશે

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા બંધાતા ઘરમાં સૂર્યપ્રકાશ, હવાની અવરજવર સાથે ઉર્જાની બચત

સામાન્ય નાગરિકોના હકના ઘરનું સ્વપ્ન સાકાર કરનાર મ્હાડાએ હવે સામાજિક જવાબદારી તરીકે નાગરિકો માટે હોસ્પિટલ, છોકરા-છોકરીઓ માટે હોસ્ટેલ, પાળેલા પ્રાણીઓ માટે નિવાસની વ્યવસ્થાની સગવડ કરવાની યોજના તૈયાર કરી છે. ઉપરાંત નવા ગૃહનિર્માણ પ્રકલ્પ ઊભા કરતા ઘરમાં સૂર્યપ્રકાશની યોગ્ય વયવસ્થા, હવાની અવરજવરનું ધ્યાન રાખવાનું અને ઉર્જા બચત કરવામાં આવશે.

રાજ્યના શહેરોમાં અલ્પ, મધ્યમ અને ઉચ્ચ આવક જૂથના નાગરિકોને પરવડે એવા દરમાં ઘર પૂરા પાડવાનું કામ મ્હાડા કરે છે. હવે સામાજિક જવાબદારીના દષ્ટિકોણથી મ્હાડાએ એક પગલું આગળ ભર્યું છે. સામાજિક જવાબદારી તરીકે મ્હાડાએ વિવિધ યોજનાઓ તૈયાર કરી છે. મ્હાડાના કામનો વ્યાપ હવે ફક્ત ઘર બાંધવા જેટલો સીમિત નથી પણ જુદી જુદી બાબતો માટે કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેથી મ્હાડા તરફથી નાગરિકો માટે હોસ્પિટલ, છોકરા-છોકરીઓ માટે હોસ્ટેલ, રખડતા પ્રાણીઓ માટે રહેવાની વ્યવસ્થા અને પાલતુ પ્રાણીઓ માટે હોસ્પિટલ ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહનિર્માણ વિભાગે જાહેર કરેલા જીઆરમાં આ પ્રકલ્પની માહિતી આપવામાં આવી છે. મ્હાડાએ ઈમારતો બાંધતા સમયે પર્યાવરણપૂરક ઘર બાંધવાનો નિર્ણય લીધો છે.

નવી ઈમારતો બાંધતા સમયે આકર્ષકતા, ચોકસાઈ, આગથી સંરક્ષણ, ઘનકચરો વ્યવસ્થાપન, મળનિસરણ વ્યવસ્થા, પાર્કિંગ લોટ, પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, હવા અને ઉર્જા સંવર્ધન જેવા મહત્વના ઘટકોને અગ્રતા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ દષ્ટિએ મ્હાડાના ગૃહનિર્માણ પ્રકલ્પ માટે આર્કિટેક્ટ, સ્ટ્રકચરલ એન્જિનિયર્સ, પ્રકલ્પ વ્યવસ્થાપન સલાહકાર જેવા બાંધકામ નિષ્ણાતોની યાદી તૈયાર કરવામાં આવશે.

કેન્સરના દર્દીઓ માટે ઘર
થોડા સમય પહેલાં મ્હાડાએ કેન્સરના દર્દીઓ માટે ઘર ઉપલબ્ધ કરી આપવાનો નિર્ણય લીધો હતો. પરેલની ટાટા કેન્સર હોસ્પિટલમાં દેશના ખૂણેખાંચરેથી દર્દીઓ સારવાર માટે આવે છે. આ દર્દીઓ પાસે રહેવાની જગ્યા ન હોવાથી દર્દી અને એના સગાસંબંધીઓ ટાટા હોસ્પિટલના પરિસરની ફૂટપાથ પર રહે છે. તેથી દર્દી અને એના સગાસંબંધીઓ માટે મ્હાડાએ ઈમારતમાં ઘર આપ્યા.

અન્ય સમાચારો પણ છે...