ભાસ્કર વિશેષ:મુંબઈમાં આગામી બે દાયકામાં મેટ્રોની મહાજાળ ફેલાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમએમઆરડીએ દ્વારા પરિવહનનું ભાવિ નિયોજનઃ 500 કિલો મીટરના 25 રૂટ હશે

મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણના માધ્યમથી મુંબઈ મહાનગર ક્ષેત્રમાં આગામી લગભગ 20 વર્ષમાં પરિવહનનું નિયોજન ધ્યાનમાં રાખીને 500 કિલોમીટરનું મેટ્રોનું જાળુ બિછાવવામાં આવશે. અત્યારે કામ ચાલુ છે એ 337 કિલોમીટરના 14 રૂટ ઓછા પડશે. તેથી વધુ 11 રૂટ તૈયાર કરવાનું નિયોજન છે. કુલ 25 રૂટના લીધે આગામી સમયમાં મેટ્રો મુંબઈની નવી લાઈફલાઈન તરીકે અસ્તિત્વમાં હશે. ટ્રાફિક જામની સમસ્યા નાબૂદ કરવા એમએમઆરડીએ તરફથી 2008 થી 2021 દરમિયાન પરિવહનનો અભ્યાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ અનુસાર મુંબઈ મહાનગર ક્ષેત્રમાં મેટ્રો રૂટની ભલામણ કરવામાં આવી હતી.

એમાંથી 11.40 કિલોમીટર લાંબો મેટ્રો-1 રૂટ (વર્સોવાથી ઘાટકોપર) 8 જૂન 2014માં શરૂ કરવામાં આવ્યો. હવે 2 એપ્રિલ 2022ના મેટ્રો-2એ (દહિસરથી ડી.એન.નગર) અને મેટ્રો-7 (દહિસરથી અંધેરી) રૂટમાં સહિયારો 20.73 કિલોમીટરનો દહિસરથી આરેનો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. આ રૂટનો બીજો તબક્કો ઓગસ્ટમાં શરૂ થાય એવી શક્યતા છે. ઉપરાંત મેટ્રો-2બી, 3, 4, 5, 6, 9 રૂટના કામ ચાલુ છે. મેટ્રો-10, 11, 12 રૂટના કામ ટૂંક સમયમાં શરૂ થશે. બાકીના રૂટ આગામી સમયમાં પાટે ચઢશે. અત્યારે કામ ચાલુ છે એ રૂટ 2026 સુધી શરૂ થાય એવી શક્યતા છે. બાકીના રૂટ 2031 સુધી પૂરા કરવાનું નિયોજન છે. એમએમઆરડીએ પરિવહન અભ્યાસ-2 જાહેર કર્યો હતો.

આ અહેવાલમાં 2041માં પરિવહન વ્યવસ્થા મજબૂત કરવા 337 કિલોમીટરના મેટ્રો રૂટનું એક્સટેન્શન 487 કિલોમીટર સુધી વધારવાની ભલામણ કરવામાં આવી છે. આ રૂટ કયા અને કેવા હશે એની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. એ અનુસાર વધારાના 11 રૂટ નિશ્ચિત કરવામાં આવ્યા છે. લગભગ તમામ મેટ્રો રૂટ નવી મુંબઈ અને થાણેમાં છે. એમાંથી કેટલાક રૂટનું કામ અને કેટલાકનું નિયોજન સંબંધિત મહાપાલિકા તરફથી ચાલુ હોવાની માહિતી એમએમઆરડીએના અધિકારીઓએ આપી હતી.

પરિવહન અભ્યાસ-2ના અહેવાલ અનુસાર 322.5 કિલોમીટરના મેટ્રો રૂટ 2026-27 સુધી પૂરા કરવામાં આવશે. 2027 થી 2031 દરમિયાન 100.7 કિલોમીટરનું જાળું પૂરું કરવામાં આવશે. એમાં મેટ્રો-11, 19, 13, 20, 21, 22 રૂટનો સમાવેશ છે. 2032થી 2041 દરમિયાન 64.1 કિલોમીટરનું મેટ્રોનું જાળુ પૂરું કરવામાં આવશે જેમાં મેટ્રો-23, 24 અને 25 રૂટનો સમાવેશ હશે.

2026 થી 2041 દરમિયાન પૂરા થનારા રૂટ : મેટ્રો-15 – બેલાપુર-તળોજા-પેંઢારના 11.3 કિલોમીટર લાંબા રૂટનું કામ ચાલુ છે જે 2026માં પૂરું થશે. મેટ્રો-16 પેંઢારથી એમઆઈડીસી 2 કિલોમીટરનું કામ ચાલુ છે જે 2026માં પૂરું થશે. મેટ્રો-17 એમઆઈડીસીથી ખાંદેશ્વર 7.2 કિલોમીટરના રૂટનું કામ 2026માં પૂરું થશે. મેટ્રો-18 થાણે રિંગ મેટ્રો 28.7 કિલોમીટરનું કામ 2026માં પૂરું થશે. મેટ્રો-19 પ્રભાદેવી-શિવરી-નવી મુંબઈ એરપોર્ટ (મુંબઈ પારબંદર પ્રકલ્પ) 26.5 કિલોમીટરની રૂપરેખા તૈયાર છે અને આ રૂટનું કામ 2031માં પૂરું થશે.

મેટ્રો-20 ખાંદેશ્વરથી નવી મુંબઈ એરપોર્ટનો 3.7 કિલોમીટર લાંબા રૂટની રૂપરેખા તૈયાર છે અને આ રૂટનું કામ 2031માં પૂરું થશે. મેટ્રો-21 મુંબઈ પારબંદર પ્રકલ્પથી જાંભુળપાડા સુધીના 5 કિલોમીટર રૂટનું કામ 2031માં પૂરું થશે. મેટ્રો-22 થાણેથી જુઈનગરના પ્રસ્તાવિત 20.6 કિલોમીટર લાંબા રૂટનું કામ 2031માં પૂરું થશે. મેટ્રો-23 કાસારવડવલીથી અંબરનાથના પ્રસ્તાવિત 41.4 કિલોમીટર લાંબા રૂટનું કામ 2041માં પૂરું થશે. મેટ્રો-24 ખાંદેશ્વરથી તરઘરના 9.9 કિલોમીટર લાંબો રૂટ સિડકો દ્વારા પ્રસ્તાવિત છે. આ કામ 2041માં પૂરું થશે. મેટ્રો-25 જુઈનગરથી નવી મુંબઈ એરપોર્ટનો 12.8 કિલોમીટર લાંબો રૂટ સિડકો દ્વારા પ્રસ્તાવિત છે જેનું કામ 2041માં પૂરું થશે.

અન્ય સમાચારો પણ છે...