પર્યાવરણપ્રેમીઓ આક્રમક:આરેમાં વિરોધ વચ્ચે મેટ્રો કાર શેડનાં કામો શરૂઃ ઝાડની ફરી છટણી કરાઈ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝાડની ફરીથી કતલ કેમઃ પર્યાવરણપ્રેમીઓ આક્રમક

ગોરેગાવમાં આરે ખાતે પર્યાવરણપ્રેમીઓ અને આપ દ્વારા વિરોધ વચ્ચે મેટ્રો-3ના કાર શેડનું કામ જોરશોરથી શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા બે- ત્રણ દિવસમાં કાર શેડનાં કામે જોર પકડ્યું છે. હવે પછી કોઈ પણ નવો વિવાદ ઊભો થઈને કાર શેડનું કામ ફરીથી ઠપ થાય તે પૂર્વે કામ પૂરું કરવાનો સંકલ્પ સરકારે કર્યો હોય તેમ જણાય છે. સોમવારે આરે વિસ્તારમાં કાર શેડના ક્ષેત્રમાં અમુક ઝાડની કતલ કરવામાં આવી હતી. આથી પર્યાવરણપ્રેમીઓ ફરી એક વાર આક્રમક બની ગયા છે. કાર શેડ માટે અગાઉ મોટે પાયે ઝાડની કતલ કરવામાં આવી હતી તો પછી હવે ફરીથી ઝાડની કતલ કેમ કરવામાં આવી રહી છે, એવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે.

પ્રશાસન તરફથી આ વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે. કોલાબા- બાંદરા- સીપ્ઝ મેટ્રો-3 માટેના બે ડબ્બા ટૂંક સમયમાં જ મુંબઈમાં દાખલ થવાના છે. આ બંનેડબ્બા મરોલ- મરોશી ખાતે હંગામી કાર શેડમાં લઈ જવાશે. આ ડબ્બા લઈ જવા માટે રસ્તો મોકળો મળે તે માટે આરેમાં ઝાડ પર સોમવારે ફરી એક વાર કુહાડી ફેરવવામાં આવી. આંધ્ર પ્રદેશની શ્રીસિટી ખાતેના કારખાનામાંથી મેટ્રો ટ્રેનના આ ડબ્બા સાતથી આઠ દિવસ પૂર્વે મુંબઈની દિશામાં આવવા નીકળી ગયા છે.

ટૂંક સમયમાં જ તે મુંબઈમાં પહોંચશે. આ ડબ્બા મરોલ- મરોશી ખાતે હંગામી કાર શેડમાં રાખવામાં લઈ જવા માટે ટ્રેલરો ઉપયોગ કરવામાં આવશે. રસ્તા પરના ઝાડ ડબ્બાઓને લાગીને નુકસાન નહીં થાય તે માટે આરેમાં સોમવારે ઝાડની છાંટણી કરવામાં આવી હતી. આ કામ ચાલતું હોવાથી વિસ્તારમાં ટ્રાફિકની અવરજવર 24 કલાક માટે બંધ રાખવામાં આવી હતી. આરે વિસ્તારમાંથી દોડતી બેસ્ટની બસનો માર્ગ પણ બદલી કરાયો હતો. ઝાડની છાંટણી ચાલતી હતી ત્યારે આ ઠેકાણે કોઈને પ્રવેશ અપાતો નહોતો. ફક્ત અહીંના રહેવાસીઓને જ એન્ટ્રી અપાતી હતી. આ વાતની જાણ થતાં સોમવારે ફરીથી પર્યાવરણપ્રેમીઓ દોડી આવ્યા હતા. જોકે તેમને પોલીસે રોક્યા હતા.

દરમિયાન આરેમાં વિરોધ કરવા માટે લોકો એકઠા નહીં થાય તે માટે જમાવબંધીનો આદેશ લાદવામાં આવ્યો છે. જમાવબંધીનો આદેશ તોડવા માટે બે જણની ધરપકડ પણ કરવામાં આવી છે. ઉપરાંત અનેકને પોલીસે નોટિસો પણ મોકલી છે.

મુંબઈ શહેરમાં ઈમરજન્સીઃ આપ
દરમિયાન આપનાં મુંબઈ અધ્યક્ષા પ્રીતિ શર્મા મેનને જણાવ્યું કે મુંબઈમાં ઈમરજન્સી આવી છે. દેવેન્દ્ર ફડણવીસ બરહેમીથી ઝાડની કતલ કરી રહ્યા છે. સરકાર કહે છે કે આરે જંગલ નથી. તો પછી ઝાડ કેમ કાપવામાં આવી રહ્યાં છે. આ જૂઠાડી, લાલચુ સરકાર છે, એવો આરોપ પણ તેમણે કર્યો હતો.

રાજકીય વિવાદ વધવાની શક્યતા
દરમિયાન આરેમાંનાં જંગલોને લીધે આ ઠેકાણે મેટ્રો પ્રકલ્પનું કાર શેડ ઊભું કરવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે ફડણવીસ સરકારના કાર્યકાળમાં રાતોરાત ઝાડ કાપીને પ્રકલ્પનું કામ આગળ વધારવામાં આવ્યું હતું. જોકે ઠાકરે સરકારે સૂત્રો હાથમાં લેતાં જ આરેમાં કામ અટકાવી દેવાયું અને કાંજુરમાર્ગમાં કાર શેડ બનાવવાનો નિર્ણય લેવાયો, પરંતુ આ જગ્યા પર કેન્દ્રએ માલિકી બતાવતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ વચ્ચે શિંદે- ફડણવીસ સરકાર આવતાં કાર શેડ બનાવવા બધી મંજૂરી આપવામાં આવી છે.

અશ્વિની ભિડેને જવાબદારી
મુંબઈ મેટ્રો રેલવે કાર શેડ માટે આરે કોલોનીમાં ઝાડની કતલ પછી વિવાદાસ્પદ ઠરેલાં મુંબઈ મેટ્રો રેલવેનાં તત્કાલીન એમડી અશ્વિની ભિડેની ઉદ્ધવ ઠાકરે સરકારે સત્તામાં આવતાં જ બદલી કરી નાખી હતી. હવે શિંદે- ફડણવીસ સરકારે ફરીથી ભિડે પર આ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. આરે મામલે રાજકીય વિવાદ વધે તે પૂર્વે જ કામ શક્ય તેટલું જલદી આટોપવાના સરકારના પ્રયાસ છે.

અન્ય સમાચારો પણ છે...