ભાસ્કર વિશેષ:337 કિમી મેટ્રો જાળના સંચાલન માટે મેટ્રો ભવન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરેના બદલે હવે દહિસર અને મંડાલેમાં ઈમારત ઊભી કરવામાં આવશે

મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે મુંબઈ અને મુંબઈ મહાનગર પ્રદેશમાં ઊભી થઈ રહેલી 337 કિલોમીટર લંબાઈવાળી મેટ્રોની જાળનું સંચાલન કરવા માટે ગોરેગાવની આરે કોલોનીમાં મેટ્રો ભવન ઊભું કરવાનો નિર્ણય લીધો હતો. જો કે પર્યાવરણપ્રેમીઓએ જોરદાર વિરોધ કર્યો હોવાથી મેટ્રો ભવન વિવાદમાં અટવાયું હતું. એમએમઆરડીએ હવે આરેના બદલે દહિસર અને મંડાલે ખાતે મેટ્રો ભવન ઊભું કરશે. તાજેતરમાં થયેલી એમએમઆરડીએની બેઠકમાં દહિસર ખાતેના મેટ્રો ભવનને માન્યતા આપવામાં આવી હતી. આ ઈમારતમાં ફક્ત આદેશ અને નિયંત્રણ કેન્દ્ર (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટર) હશે. દરમિયાન એમએમઆરડીએના આ નિર્ણયનું પર્યાવરણપ્રેમીઓએ સ્વાગત કર્યું છે.

મુંબઈ અને એમએમઆરમાં પરિવહન વ્યવસ્થા મજબૂત કરવા માટે એમએમઆરડીએ 14 મેટ્રો રૂટની 337 કિલોમીટર લાંબી જાળ મુંબઈમાં પાથરી રહ્યું છે. આ તમામ મેટ્રો રૂટનું સંચાલન કરવા માટે મેટ્રો ભવનની ઘણી જરૂર છે. આરે કોલોનીમાં મેટ્રો ભવન ઊભું કરવાનો નિર્ણય એમએમઆરડીએએ લીધો હતો. એના માટે ત્યાંના સર્વે ક્રમ 598એની લગભગ 2.03 હેકટર જમીન નિશ્ચિત કરવામાં આવી હતી. જો કે આરે સંરક્ષિત વન હોવાથી પર્યાવરણપ્રેમીઓએ આ પ્રકલ્પનો જોરદાર વિરોધ કર્યો હતો. આરેમાં કોલાબા-બાન્દરા-સીપ્ઝ મેટ્રો-3 પ્રકલ્પ માટેના કારશેડ પરથી ઊભો થયેલો વિવાદ હજી ચાલુ છે.

એમાં મેટ્રો ભવનના વિવાદનો ઉમેરો થયો હતો. આ વિરોધ કોરાણે મૂકીને સરકાર 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ભવનની ઈમારતનું ભૂમિપૂજન કર્યું હતું. આરેમાં ઊભા થઈ રહેલા મેટ્રો ભવનનો સતત વિરોધ થતા ઈમારતનું બાંધકામ શરૂ થઈ શક્યું નહોતું. પરિણામે મેટ્રો ભવન રખડી પડ્યું. આરેમાં કારશેડ, મેટ્રો ભવન ઉપરાંત બીજા કોઈ પણ પ્રકલ્પ ઊભો કરવાનો વિરોધ કરવામાં આવશે. આરે જંગલ છે અને એને બચાવવું ઘણું જરૂરી છે. સરકાર અને એમએમઆરડીએએ આરેમાં ઊભા થનારા મેટ્રો ભવનને બીજે ખસેડવાનો નિર્ણય સ્વાગત કરવા યોગ્ય છે. હવે સરકારે આરે કારશેડ માટે પણ આ જ ભૂમિકા લેવી જોઈએ એમ પર્યાવરણપ્રેમી ઝોરુ બથેનાએ જણાવ્યું હતું.

દહિસરમાં ટૂંક સમયમાં કામની શરૂઆત
અત્યારે અનેક મેટ્રો રૂટના કામ ઝડપથી થઈ રહ્યા છે અને એક પછી એક રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે. મેટ્રોના સંચાલન માટે વહેલી તકે મેટ્રો ભવન ઊભું કરવું જરૂરી છે. આ પાર્શ્વભૂમિ પર એમએમઆરડીએએ વિવાદસ્પદ આરેની જગ્યા માટે હઠ છોડીને મેટ્રો ભવન માટે બે જગ્યા નક્કી કરી છે. દહિસરમાં બે ખાનગી ભૂખંડ અને મેટ્રો 2-બી (ડી.એન.નગરથી મંડાલે) રૂટનો કારશેડ એમ બે જગ્યાની પસંદગી કરી છે. એમએમઆરડીએ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર દહિસર અને મંડાલે બંને ઠેકાણે મેટ્રો ભવન માટે ઈમારત ઊભી કરવામાં આવશે. દહિસર મેટ્રો ભવનમાં ફક્ત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેંટર તથા બીજી કેટલીક સુવિધાઓ હશે. ટૂંક સમયમાં જમીન તાબામાં લઈને કામની શરૂઆત કરવામાં આવશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...