48 કલાકમાં અતિવૃષ્ટિ:હવામાન વિભાગનો મુંબઈ, મરાઠવાડા, કોંકણ, થાણેમાં અતિવૃષ્ટિનો ઈશારો !!

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદથી મહારાષ્ટ્રની અનેક નદીઓમાં પૂર આવ્યા

મુંબઈ, થાણે, કોંકણ, વિદર્ભ મરાઠવાડામાં આગામી 48 કલાકમાં અતિવૃષ્ટિનો ઈશારો આપવામાં આવ્યો છે. સોમવારે રાતથી મુંબઈ સહિત રાજ્યમાં ભારે વરસાદ પડ્યો હતો, જેને લીધે ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયાં હતાં. રાજ્યની અનેક નદીઓમાં પૂર આવ્યાં છે. નદી- નાળાઓ ઊભરાઈને વહેવા લાગતાં આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પાલઘર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના ત્રણ મુખ્ય નદીઓનો સ્તર જોખમી સપાટીથી હજુ નીચે છે. જિલ્લામાં ક્યાંય પૂરસ્થિતિ નથી, પરંતુ એનડીઆરએફની એક ટીમને તહેનાત કરવામાં આવી છે. થાણેમાં પણ 24 કલાકમાં ચાર ઈંચ વરસાદની નોંધ થઈ છે. અહીં પણ બધી નદીઓ જોખમી સપાટીની નીચેછે. બે એનડીઆરએફની ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

મુંબઈમાં 24 કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. આને કારણે અનેક ઠેકાણે ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકજામ દૂર કરવા માટે રસ્તાઓ પર ઊતરીને જહેમત ઉઠાવવામાં આવી રહી છે. મુંબઈમાં પાંચ એનડીઆરએફની ટીમો સક્રિય છે. રાયગઢમાં ચાર ઈંદ વરસાદ પડ્યો છે. કુંડલિકા નદી જોખમી સપાટી પર વહી રહી છે.

જિલ્લામાં 65 ઘરનું આંશિક નુકસાન થયું છે, જ્યારે નવ ઘરનું સંપૂર્ણ નુકસાન થયું છે. મહાડ, સાંદોશી બૌદ્ધવાડી હેટકર કોડ રસ્તાનો ભરાવ પાણીમાં વહી જવાથી આ માર્ગ ટ્રાફિક માટે બંધ કરી દેવાયો છે. રત્નાગિરિમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. ખેડ ખાતે જગબુડી નદી જોખમી સપાટી વટાવી ચૂકી છે. આથી આપાસના રહેવાસીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઠેકઠેકાણે ભેખડ ઘસી પડવાની ઘટનાઓ પણ બની રહી છે.

સિંધુદુર્ગમાં 24 કલાકમાં બે ઈંચ વરસાદની નોંધ થઈ છે. જોકે નદીઓ જોખમી સપાટીની નીચે હોવાથી રાહત છે. અહીં છ કુટુંબના 26 લોકોનું સ્થળાંતર કરવાયું છે. નાશિકમાં ત્રણ દિવસ અતિવૃષ્ટિનો ઈશારો આપવામાં આવ્યો છે. ગંગાપુર ડેમમાંથી 284.16 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોઈ ગોદાવરી નદીમાં વધારો થયો છે. સાવધાની તરીકે 70 જણને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

નંદુરબાર, પુણે, સાતારા, સાંગલી જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જોકે નદીઓ જોખમી સપાટીની નીચે છે અને ક્યાંય પૂર જેવી પરિસ્થિતિ નથી. મુંબઈમાં સમુદ્ર તોફાની બન્યો : દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ભરતીને કારણે મંગળવારે બપોરે સમુદ્ર તોફાની બન્યો હતો. સમુદ્રકાંઠાઓ પર મોજાં 4.47 મીટર સુધી ઊંચાઈ પર ઊછળ્યાં હતાં.

આથી મહાપાલિકા દ્વારા સમુદ્રકાંઠાઓ પર નાગરિકોને નહીં જવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સમુદ્રકાંઠા પર લોકોને જવા રોકવા માટે પોલીસ પણ તહેનાત કરવામાં આવ્યા હતા. મુંબઈમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ હોય ત્યારે સમુદ્રકાંઠા પર ફક્ત સવારે 6થી 10 સુધી જ પરવાનગી અપાશે, જે પછી બંધી લાદવામાં આવી છે. આ વખતે ચોમાસામાં 10 જણનાં વિવિધ ઠેકાણે ડૂબીને મોત થયાં છે. આથી મહાપાલિકાએ કઠોર પગલાં લેવાનું શરૂ કર્યું છે.

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં ત્રણ મોત
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં ત્રણ જણનાં મોત થયાં છે, જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 95 જણને બચાવી લેવાયા છે. મંગળવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની 13 ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ ટીમો તહેનાત કરવામાં આવી છે. મુંબઈનાં ઉપનગરમાં મકાન ધરાશાયી થવાથી બે જણનાં મોત થયા છે, જ્યારે ગઢચિરોલી જિલ્લામાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. ગઢચિરોલી, નંદુરબાર જિલ્લા અને મુંબઈના ઉપનગરીય વિસ્તારોના દસ ગામો અવિરત અને મુશળધાર વરસાદને કારણે પ્રભાવિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...