બીમારીથી મૃત્યુ થયાને સમર્થન:મહારાષ્ટ્રમાં એચ3એન2થી મેડિકલના વિદ્યાર્થીનું મોત

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંકણમાં સહેલગાહ કર્યા પછી બીમાર પડ્યો હતો

છત્રપતિ સંભાજીનગર ખાતેથી મેડિકલના અભ્યાસ માટે અહમદનગરમાં આવેલા એક યુવાનનું ઈન્ફ્લુએન્ઝા (એચ3એન2) લાગુ થવાથી મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રમાં આ બીમારીથી મૃત્યુ થયાને સમર્થન મળ્યું હોય તેવો આ પ્રથમ કેસ છે, જેને લીધે આરોગ્ય વિભાગ સતર્ક બની ગયો છે.

આ 23 વર્ષનો વિદ્યાર્થી અહમદનગર નજીક મેડિકલ કોલેજમાં ભણવા માટે આવ્યો હતો. થોડા દિવસ પૂર્વે તે કોંકણમાં સહેલગાહ માટે ગયો હતો. આ પછી તે બીમાર પડ્યો હતો. તેને તુરંત શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તપાસમાં તેને કોવિડ હોવાનું જણાયું હતું. આ સાથે તેનો એચ3એન2 ટેસ્ટ પોઝિટિવ આવ્યો.

આ મુજબ ઉપચાર ચાલતો હતો. જોકે ગઈકાલે રાત્રે તેનું મોત થયું છે. યુવાનના લોહીના નમૂના તપાસવા માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. તેનો અહેવાલ મળ્યા પછી આ વાઈરસને લીધે તેનું મૃત્યુ થયું હોવાનું સ્પષ્ટ થયું છે. દરમિયાન નાગપુરમાં એક દર્દી પર ખાનગી હોસ્પિટલમાં ઉપચાર ચાલતો હતો. તેને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ, ડાયાબીટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ હતી.

ઉપચાર દરમિયાન 9 માર્ચે તેનું મોત થયું હતું. મૃત્યુ પૂર્વે કરાયેલી તેની એચ3એન2 તપાસનો રિપોર્ટ હવે પોઝિટિવ આવ્યો છે. જોકે ડેથ ઓડિટ સમિતિ માન્યતા આપ્યા પછી જ તેના મૃત્યુની નોંધ એચ3એન2 તરીકે થશે, એમ આરોગ્ય ઉપ સંચાલક ડો. વિનિતા જૈને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...