બીમારી:18-22 વર્ષના યુવાનોમાં પણ ઓરીનાં લક્ષણો જોવા મળ્યાં

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈગરાને સતર્ક રહીને કાળજી લેવા મહાપાલિકાનો અનુરોધ

મુંબઈમાં ઓરીના કેસ વધી રહ્યા છે અને અનેક બાળકોનાં તેનાથી મોત થયાં છે ત્યારેઆ બીમારી આગામી દિવસોમાં વધુ સંકટ ઊભું કરે એવો ભય પેદા થયો છે, કારણ કે મુંબઈમાં બાળકોની જેમ હવે યુવાનોમાં પણ ઓરીનાં લક્ષણો જોવા મળ્યાં છે.

મુંબઈમાં 18-22 વયવર્ષના ઓરીના શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે. આથી બાળકોની જેમ હવે યુવાનોમાં પણ આ બીમારી ફેલાશે કે કેમ એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. મહાપાલિકા દ્વારા તેથી જ મુંબઈગરાને સતર્ક રહીને કાળજી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આવાં લક્ષણો દેખાતાં જ તુરંત ડોક્ટરને બતાવવા માટે સૂચન કરાયું છે.મુંબઈમાં એમ-ઈસ્ટ વોર્ડમાં 18-22 વયવર્ષના બે જણને ઓરીનાં લક્ષણો હોવાનું જણાયું છે. આ બંને દર્દીના શરીર પર ફોલ્લાં આવ્યાં છે અને તાવ પણ આવી છે. તેઓ ખાનગી ડોક્ટર પાસે સારવાર કરાવી રહ્યા છે.

આ દર્દીનાં લક્ષણો ધ્યાનમાં લેતાં તેમની પર ઔષધોપચાર કરવામાં આવી રહ્યા છે. આ જ રીતે એ વિટામિન પણ આપવામાં આવી રહ્યું છે. દરમિયાન હાલમાં આ બંને દર્દીની તબિયત જોખમની બહાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જે વિસ્તારમાં ઓરીના શંકાસ્પદ દર્દીઓ જોવા મળ્યા છે ત્યાંના પાંચ નમૂના તબીબી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાઓમાં પાંચમાંથી બે નમૂના ઓરી હોવાનું નિષ્પન્ન થયું હોવાથી આ વિસ્તારમાં ઓરીનો પ્રભાવ વધુ હોવાનું ઘોષિત કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં આવનારા સર્વ દર્દી ઓરી માટે શંકાસ્પદ હોવાનું માનવામાં આવે છે, એમ તબીબી અધિકારીએ જણાવ્યું હતું.

ધર્મગુરુઓની મદદ
મહાપાલિકા દ્વારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સર્વ ધર્મના ધર્મગુરુઓની જનજાગૃતિ માટે મદદ લેવામાં આવી રહી છે. ગોવંડીમાં આ બીમારીનો ફેલાવો વધુ હોવાથી અહીં વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...