ફરિયાદ:મુંબઈમાં મોટા પ્રમાણમાં વીજ ચોરીઃ વીજ કંપની દ્વારા ફરિયાદ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માગની સરખામણીએ વીજની કમી અને એમાં ઓકટોબર હીટમાં વીજની માગ વધવાની શક્યતા છે ત્યારે વીજ ચોરીની સમસ્યા વીજ કંપનીઓને હેરાન કરી રહી છે. મુંબઈ જેવા શહેરમાં વીજ ચોરીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં વીજ ચોરીના 20 કરતા વધારે ગુના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા છે. બેસ્ટ, ટાટા, અદાણી જેવી બધી જ કંપનીઓની ફરિયાદ મળી રહી છે. એ અનુસાર ભારતીય વીજ કાયદા અન્વયે આ ગુના દાખલ કરવામાં આવી રહ્યાનું પોલીસે જણાવ્યું છે. ઉપનગરોમાં ખાસ કરીને પૂર્વ ઉપનગરોમાં વીજ ચોરીનું પ્રમાણ વધારે છે. સૌથી વધુ ગુના અદાણી કંપનીની ફરિયાદ પરથી દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈમાં વીજ ચોરીનુ પ્રમાણ વધી રહ્યું હોવાથી વીજ કંપનીઓની વિજિલન્સ ટીમે વિશેષ ઝુંબેશ ચલાવી છે.

એકલા દેવનાર ભાગમાં ઓકટોબરના પહેલા અઠવાડિયામાં 8 ગુના દાખલ કરવામાં આવ્યા છે. ગોવંડી ખાતે ઈંડિયન ઓઈલ નજીકની વસતીમાં અનેક ઘર અને દુકાનમાં કોઈ પણ અધિકૃત જોડાણ કર્યા વિના ચોરી કરીને વીજ વાપરવામાં આવી રહી હોવાની માહિતી મળ્યા બાદ અદાણી કંપનીની વિજિલન્સ અધિકારીએ આ ભાગમાં દરોડા પાડ્યા હતા. 11 જણ વીજ ચોરી કરતા હોવાનું ધ્યાનમાં આવતા જ તેમનું વીજ જોડાણ કાપીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગોવંડીના ટાટાનગર પરિસરમાં પણ આ રીતે કાર્યવાહી કરીને લગભગ સાડા ત્રણ લાખ રૂપિયાની વીજ કરનારા 6 જણ પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘરગથ્થુ ઉપરાંત વ્યવસાયિક વપરાશ માટે પણ લાખો રૂપિયાની વીજ ચોરી કરવામાં આવે છે. ખાસ વાત એટલે કેટલાક ઠેકાણે ઈમારતના બાંધકામ માટે પણ અનધિકૃત જોડાણ કરીને વીજ વાપરવામાં આવતી હતી એમ કાર્યવાહીમાં જણાયું છે. કુરારમાં વીજ કંપનીઓની વિજિલન્સ ટીમ દરોડા પાડશે એવી માહિતી મળતા જ વીજ ચોરી માટે જોડવામાં આવેલા વાયર કાઢી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...