તપાસ:અંબાણીના ઘર પાસે વિસ્ફોટકો મૂકવા મુદ્દે માનેને ડિસ્ચાર્જ નહીં

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે કહ્યું કે આ કેસમાં માનેની મુખ્ય સંડોવણી સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે

દક્ષિણ મુંબઇમાં મુકેશ અંબાણીના બહુમજલી નિવાસસ્થાન એન્ટિલિયા નજીક વિસ્ફોટકો સાથેનું વાહન પાર્ક કરવા સંબંધે અને ત્યાર પછી થાણેના વેપારી મનસુખ હિરનની હત્યાના કેસમાંથી ડિસ્ચાર્જની માગણી કરતી ભૂતપૂર્વ પોલીસ અધિકારી સુનીલ માનેની અરજીને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની વિશેષ કોર્ટે ફગાવી દીધી છે અને કહ્યું છે કે આ કેસમાં તેની મુખ્ય સંડોવણી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

વિશેષ કોર્ટના જજ એ. એમ. પાટીલે માનેની કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજીને ફગાવી દીધી હતી. આ આદેશની વિગતો શુક્રવારે ઉપલબ્ધ થઈ હતી. માનેની એનઆઇએ દ્વારા એપ્રિલ 2021ના રોજ આ કેસમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે માનેએ ડિસ્ચાર્જની માગણી કરતી તેની અરજીમાં દાવો કર્યો છે કે 25 ફેબ્રુઆરી, 2021ના ​​રોજ મનસુખ હિરન પાસેના વાહનની ચોરી અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીક વાહનમાં વિસ્ફોટકો મૂકવાના સંબંધમાં મારી કોઈ રીતે સંડોવણી નથી.

અરજીમાં તેણે એમ પણ કહ્યું કે આ કેસના મુખ્ય આરોપી ભૂતપૂર્વ પોલીસ કર્મચારી સચિન વાઝે અને પ્રદીપ શર્માએ અન્ય આરોપીઓ સાથે મળીને હિરનને મારવાનું કાવતરું ઘડ્યું હતું અને પોતે તેમાં કોઈ રીતે સંડોવાયેલો નથી. માનેના વકીલોએ અરજીમાં કહ્યું છે કે, “ચાર્જશીટ મુજબ સ્પષ્ટ છે કે અમારા અસીલે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) અધિનિયમ (યુએપીએ) હેઠળ કોઈ ગુનો કર્યો નથી અને તે આતંકવાદ વિરોધી કાયદાની જોગવાઈઓ હેઠળ આરોપમુક્ત થવા માટે અને ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ, કલમો હેઠળ જામીન મેળવવા માટે હકદાર છે.

બીજી તરફ, એનઆઇએએ જણાવ્યું હતું કે વાઝેએ મનસુખ હિરનને કારમાઈકલ માર્ગ નજીક મુકેશ અંબાણીના નિવાસસ્થાન પાસે એસયુવીમાં વિસ્ફોટકો રાખવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેની સંપૂર્ણ જવાબદારી માથે લેવા માટે પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે જ્યારે હિરને તે માનવાનો ઇનકાર કર્યો હતો.

ત્યારે વાઝેએ તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને આરોપી પ્રદીપ શર્મા અને માને દ્વારા “સુપારી કિલર’ની શોધ કરી હતી. એજન્સીએ વધુમાં જણાવ્યું છે કે, ત્યાર પછી માને વાઝેની આગેવાની હેઠળના કાવતરામાં સામેલ થયો હતો.સાક્ષીઓના નિવેદનો સાંભળ્યા પછી, કોર્ટે કહ્યું, તે સ્પષ્ટ છે કે આ કેસમાં અરજદારની સંડોવણી પ્રથમ નજરે દેખાઈ રહી છે. આથી તેને જામીન આપવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

અન્ય સમાચારો પણ છે...