કોર્ટનો આદેશ:પોક્સો કેસમાં સાત વર્ષ જેલમાં વિતાવ્યા પછી શખ્સનો છુટકારો

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જજે કહ્યું, આ કેસ મિસ્ટેકન આઈડેન્ટિટીનો હોવાની શક્યતા છે

41 વર્ષીય પુરુષે પોક્સો કેસમાં અંડરટ્રાયલ તરીકે સાત વર્ષ વિતાવ્યાં પછી વિશેષ કોર્ટે આ કેસ મિસ્ટેકન આઈડેન્ટિટીનો હોવાની શક્યતા ધ્યાનમાં લેતાં તેને નિર્દોષ છોડી મૂક્યો હતો. પીડિતા માનસિક વિકલાંગ હતી, જેણે આરોપીને ઓળખવા દરમિયાન વિસંગત નિવેદન આપ્યાં હતાં, જેને કારણે કોર્ટે એવું નિરીક્ષણ કર્યું હતું કે તેની ઓળખ વિશ્વસનીય અને સ્વીકાર્ય પુરાવા સાથે સિદ્ધ થઈ નહોતી. શખસ પીડિતાની પાડોશમાં રહેતો હતો.

આવા શંકાસ્પદ પુરાવાને ધ્યાનમાં લેતાં આરોપીને ગુનો કરવા માટે કસૂરવાર નહીં ઠરાવી શકાય અને સજા માટે ઉત્તરદાયી નહીં ગણી શકાય. ફોજદારી ન્યાયી પ્રણાલીનો આ વણલખ્યો નિયમ છે, જેમાં બે રીત શક્ય હોય તો આરોપીને લાભદાયી હોય તે રીત અપનાવવી જોઈએ, એવું નિરીક્ષણ જજ હર્ષા ચેતન શેંડેએ કર્યું હતું.

પુરાવા અને જુબાનીમાં વિસંગતીઓને ધ્યાનમાં લેતાં આરોપી સામેના પુરાવા શંકાની પાર છે એવું કહી શકાય નહીં. પુરાવાના મહત્ત્વના તબક્કે, એટલે કે, આરોપીની ઓળખના તબક્કે પીડિતાએ આરોપી પાસે જોયા પછી પણ તેને ઓળખતી નથી એમ જણાવ્યું હતું. વિશેષ સરકારી વકીલે આરોપી સામે નિર્દેશ કરીને પ્રશ્ન કર્યો કે આ તે જ વ્યક્તિ છે જેણે તારી પર હુમલો કર્યો હતો? ત્યારે પીડિતાએ જવાબ હા આપ્યો હતો, એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.

આ વિસંગત વલણનો સંદર્ભ આપતાં કોર્ટે જણાવ્યું કે તેથી જ પીડિતાના પુરાવા શંકાના ઘેરામાં આવ્યા છે અને આરોપીની ઓળખ સંબંધમાં શંકાની પાર તે અવિશ્વસનીય જણાયા છે. આથી મારો અભિપ્રાય એ છે કે હિત ધરાવતી વ્યક્તિ દ્વારા પીડિતને શિખામણ આપી હોય તેવી શક્યતા નકારી શકાય એમ નથી. તેનો પુરાવો તેથી જ શંકાસ્પદ બને છે. એમ વિશેષ જજે નોંધ કરી હતી. બચાવ પક્ષના વકીલ કલ્પના વાસકરે દલીલ કરી હતી કે આ ખોટા આરોપનો કેસ છે. વિશેષ પોક્સો કોર્ટમાં કેસ દરમિયાન આરોપીની જામીની અરજી ચાર વખત નકારી કાઢવામાં આવી હતી.

પીડિતાની માતાએ શું કહ્યું હતું
ઓક્ટોબર 2015માં પીડિતાની વિધવા માતાએ પોલીસને જણાવ્યું હતું કે તે વર્ષે જુલાઈમાં તેની પુત્રી પર સૌપ્રથમ જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. તે સમયે પુત્રીને સમજાવીને શાંત કરી હતી. આ પછી 29 સપ્ટેમ્બર, 2015ના રોજ આરોપીએ પીડિતા જાહેર શૌચાલયમાં ગઈ હતી ત્યારે તેની મારપીટ કરી હતી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતાએ આ ઘટના વિશે જાણ કરી ત્યારે તેની શારીરિક તપાસ કરતાં અંતર્વસ્ત્રમાં લોહી મળી આવ્યું હતું. તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે એમ ધારીને પોલીસમાં ફરિયાદ નોંધાવી નહોતી, એમ માતાએ આરોપ કર્યો હતો.

આરોપીના ભાઈએ મારપીટ કરી
દરમિયાન આરોપીના ભાઈએ 1 ઓક્ટોબર, 2015ના રોજ મારા પુત્રની મારપીટ કરી ત્યારે મેં પોલીસમાં જવાનું નક્કી કર્યું હતું, એમ માતાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...