મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમની હેલ્પલાઈન પર ફોન કોલ કરીને 1993માં બોમ્બવિસ્ફોટ કરાયા હતા તેવા બોમ્બવિસ્ફોટ બે મહિના પછી મુંબઈના માહિમ, ભીંડીબજાર, નાગપાડા, મદનપુરા ખાતે કરવામાં આવશે, તે પછી મુંબઈમાં 1993 જેવાં જ કોમી હુલ્લડો ફાટી નીકળશે. આ કામને અંજામ આપવા માટે અન્ય રાજ્યોમાંથી લોકોને બોલાવવામાં આવ્યા છે એવો સંદેશ આપનારા આરોપીને એન્ટી ટેરરીઝમ સ્ક્વોડે (એટીએસ)ના જુહુ યુનિટે ઝડપી લીધો છે.
મલાડ પૂર્વની પઠાણવાડીમાં રહેતા આરોપી નબી યાહ્યા ખાન ઉર્ફે કેજીએન લાલા (55)ની મલાડ સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી છે. ફોન કોલ બાદ બે વિશેષ ટીમો બનાવવામાં આવી હતી, જેમણે કોલના ટેક્નિકલ વિશ્લેષણ કરીને આરોપીને ઝડપી લીધો હતો. આરોપીએ ગુનો કબૂલ કર્યો છે. આરોપી વિશે માહિતી પ્રાપ્ત કરતાં તેની સામે ચોરી, વિનયભંગ, અતિક્રમણ સહિત 12 ગુના દાખલ છે એવી માહિતી બહાર આવી છે.
રેસ્ટોરાં ફૂંકી મારવાની ધમકી આપનાર ઝડપાયો
દરમિયાન કોલાબા વિસ્તારની જાણીતી રેસ્ટોરાંને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે એવો કોલ કરનારા 29 વર્ષના આરોપીની રવિવારે ધરપકડ કરાઈ હતી. તેના કોલ પછી બોમ્બ શોધક અને નાશક ટુકડી અને પોલીસ ટીમે રેસ્ટોરાંમાં પહોંચી હતી અને સઘન તપાસ કરી હતી. જોકે કશું જ શંકાસ્પદ મળ્યું નહોતું. આ પછી કોલરના નંબરનું પગેરું મેળવીને ગણતરીના કલાકમાં તેને ઝડપી લેવાયો હતો. તપાસમાં આરોપી માનસિક રીતે અસ્થિર અને બેકાર હોવાનું જણાયું હતું. રેસ્ટોરાંની બહાર તેને કશુંક થયું હતું. આથી તેણે બોગસ કોલ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.