મોટા નિર્ણયો:મહારાષ્ટ્ર સરકાર દિલ્હી ચલાવે છેઃ શિંદે 25 દિવસમાં પાંચ વાર દિલ્હી દરબારમાં

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ કેબિનેટ બેઠકમાં અનેક મોટા નિર્ણયો

મહારાષ્ટ્રમાં મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ શપથ લીધાને 25 દિવસ વીતી ગયા છે. શિંદે 25 દિવસમાં પાંચ વખત દિલ્હી દરબારમાં હાજરી આપી ચૂક્યા છે. આ 25 દિવસમાં શિંદેએ કુલ 7 મોટા નિર્ણયો મહારાષ્ટ્ર કેબિનેટમાં લીધા છે, જેનો સીધો સંબંધ નીતિઓ સાથે છે. છેલ્લા 25 દિવસમાં શિંદે- ફડણવીસે પાંચ કેબિનેટ બેઠકો યોજી છે. શિંદે-ફડણવીસ સરકાર સત્તામાં આવ્યા બાદ અગાઉની ઠાકરે સરકારના કેટલાક નિર્ણયો સ્થગિત કરવામાં આવ્યા છે.

આને કારણે હવે રાજકીય નિરીક્ષકો દ્વારા મહારાષ્ટ્ર સરકારનાં સૂત્રો દિલ્હીમાંથી ચાલી રહ્યા છે એવી ટીકા કરવામાં આવી રહી છે. શિંદે- ફડણવીસના દિલ્હી આંટાફેરાને ધ્યાનમાં લેતાં આ નિરીક્ષકો એવું પણ કહી રહ્યા છે કે શિંદે સેનાને ઓછાં મહત્ત્વનાં ખાતાં મળશે.દરમિયાન શિંદે- ફડણવીસ સરકારે લીધેલા અમુક મોટા નિર્ણયોની વાત કરીએ તો બુલેટ ટ્રેનનો પણ સમાવેશ થાય છે. આ મોદીનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, આઘાડી સરકાર સત્તામાં આવ્યા બાદ આ પ્રોજેકટને બેકસીટ પર મૂકી દીધો હતો. જોકે શિંદે- ફડણવીસ સત્તામાં આવ્યા પછી, મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ રેલવેનું ટેન્ડર બીકેસી ખાતે અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે બહાર પાડવામાં આવ્યું છે.

શિંદેના મુખ્ય મંત્રી બન્યાના 24 કલાકની અંદર, આરે કાર શેડ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. આઘાડી સરકાર અઢી વર્ષથી નવી જગ્યા શોધી રહી હતી, પરંતુ ફરી કાર શેડ આરેમાં કરવાનો નિર્ણય જાહેર કરાયો છે. અશ્વિની ભિડેને મેટ્રો-3ના ચીફ મેનેજર તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યાં છે. આઘાડી સરકાર દરમિયાન તેમની પાસેથી મેટ્રોની જવાબદારી છિનવાઈ ગઈ હતી. રણજિત સિંહ દઉલને તે સોંપવામાં આવી હતી, જે બાદ શ્રીનિવાસનને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે ફરી ભિડેએ ચાર્જ સંભાળ્યો છે.

ફોન ટેપિંગ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. આઇપીએસ રશ્મિ શુક્લા પર 2019માં વિરોધીઓના ફોન ટેપ કરવાનો આરોપ છે. તે સમયે તેઓ એસઆઇડીનાં પ્રમુખ હતાં. આ મામલે ઠાકરે સરકારે તેમની સામે કેસ પણ કર્યો હતો. છેલ્લી કેબિનેટમાં ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદ, ઉસ્માનાબાદ અને નવી મુંબઈ એરપોર્ટનું નામ બદલવાનો નિર્ણય કર્યો. શિંદેએ તેને મુલતવી રાખ્યો હતો. ત્રીજી કેબિનેટમાં શિંદેએ ફરીથી ઔરંગાબાદનું સંભાજીનગર, ઉસ્માનાબાદનું ધારાશિવ બનાવવાનું નક્કી કર્યું.

તહેવાર- ઉજવણી પરના નિયંત્રણ દૂર
કોરોનાનાં છેલ્લાં બે વર્ષ દરમિયાન એ સમયની સરકારે તમામ તહેવારોની ઉજવણીઓ પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો હતો. એ પછી શિંદે- ફડણવીસે કેબિનેટમાં નિર્ણય લેવાયા અનુસાર તહેવારો અને ઉજવણીઓ પરના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગણપતિની મૂર્તિઓની ઊંચાઈ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.

મહત્ત્વના કેસ સીબીઆઈને
એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો કે ભૂતપૂર્વ મંત્રી ભાજપના નેતા ગિરીશ મહાજને શૈક્ષણિક સંસ્થા પર કબજો કરવા દબાણ કર્યું હતું. આ અંગે પૂનામાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જલગાવમાંથી પણ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...