દક્ષિણ મુંબઈમાં મંત્રાલય પરિસરમાં એક શખસે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. દુષ્કર્મ બાદ આત્મહત્યા કરનારી પોતાની પ્રેમિકાને ન્યાય અપાવવા શખસે ગુરુવારે મંત્રાલયમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષથી પ્રેમી ન્યાય મેળવવા પ્રયાસ કરી રહ્યો હતો. જોકે વહીવટીતંત્રે તેની અવગણના કરતાં આખરે તેણે આત્યંતિક પગલું ભર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર મંત્રાલયના બાપુ નારાયણ મોકાશી (43)એ પાંચમા માળેથી કૂદીને આત્મહત્યાના પ્રયાસ કરતાં મંત્રાલયમાં સનસનાટી મચાવી દીધી હતી. બીડ જિલ્લાના આષ્ટી તાલુકાના પરગાંવ જોગેશ્વરી ગામનો તે રહેવાસી છે. જોકે તે મંત્રાલયમાં બિછાવેલી જાળમાં તે પડ્યો હતો. તેથી તેને ઈજા થઈ નહોતી. પોલીસે આ કેસમાં તેની અટકાયત કરી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં આ બીજી ઘટના છે. ખાસ કરીને ગુરુવારે મંત્રાલયમાં રાજ્ય કેબિનેટની બેઠક હતી. તે પ્રસંગે મંત્રાલયમાં ભારે ભીડ જોવા મળી હતી. અચાનક, મોકાશી કૂદી પડતાં બૂમાબૂમ થઈ હતી. મંત્રાલયમાં સ્થિત પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચી. મોકાશી થોડો સમય જાળીમાં પડી રહ્યો હતો. આ પછી તેણે જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું.
દરમિયાન પોલીસે તેને સમજાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. અંતે પોલીસની વાત માનીને તે સુરક્ષા જાળીમાંથી બહાર આવ્યો. આ પછી પોલીસે તેની પૂછપરછ કરી અને તેની અટકાયત કરી હતી. નોંધનીય છે કે ભૂતકાળમાં મંત્રાલયની ઈમારતમાંથી કેટલાક લોકોએ ભૂસકો માર્યો હતો. અમુકનાં મોત થયાં હતાં અને અમુકને ગંભીર ઈજા પહોંચી હતી. તે પછી સુરક્ષા જાળી બિછાવવાનો નિર્ણય લેવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.