ભાસ્કર વિશેષ:મુંબઈમાં મ્હાડાના 2 હજાર ઘર માટે ટૂંક સમયમાં લોટરી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી કોમ્પ્યુટાઈઝ્ડ સિસ્ટમ તૈયાર અને લોટરીમાં ફેરફાર અંતિમ થઈ ગયા છે

મુંબઈ મહાનગર ક્ષેત્રના થાણે, નવી મુંબઈ, વસઈ-વિરાર સહિત કોકણના વેંગુર્લામાં 2 હજાર 46 ઘરની લોટરી મ્હાડા કોકણ મંડળ તરફથી ટૂંક સમયમાં કાઢવામાં આવશે. એના માટે આગામી 10 દિવસમાં જાહેરાત આપવામાં આવશે. આ લોટરીમાં અતિઅલ્પ આવક જૂથ માટે 1 હજાર 1, અલ્પ આવક જૂથ માટે 1 હજાર 23 અને મધ્યમ આવક જૂથ માટે 18 તથા ઉચ્ચ આવક જૂથ માટે 4 ઘરનો સમાવેશ છે. મુંબઈની આસપાસ વસઈ-વિરાર, થાણે અને નવી મુંબઈમાં પરવડનારા દરના ઘરનું સ્વપ્ન પૂરું કરવાની તક મળતી હોવાથી મ્હાડા મુંબઈ અને કોકણ મંડળની લોટરીની ઈચ્છુકો રાહ જોતા હોય છે.

જો કે લોટરીના ધોરણમાં ફેરફાર અને એના માટે નવી કોમ્પ્યુટરાઈઝ્ડ પદ્ધતિ તૈયાર થઈ છે. એની ટેસ્ટ સફળતાપૂર્વક પૂરી થઈ છે અને લોટરીના ફેરફાર પણ અંતિમ થઈ ગયા છે. તેથી લોટરી કાઢવાનો માર્ગ ખુલ્લો થયો હોવાથી કોકણ મંડળે ઘરના અંતિમ આંકડા (ટેનામેન્ટ માસ્ટર) નિશ્ચિત કર્યા છે.

આગામી 10 દિવસમાં કોકણ, પુણે અને ઔરંગાબાદ મંડળના ઘર માટે જાહેરાત આપવામાં આવશે એવી માહિતી મ્હાડા ઉપાધ્યક્ષ અનિલ ડિગ્ગીકરે આપી હતી. કોકણ મંડળના 2 હજાર 46, ઔરંગાબાદમાં અંદાજે 800, પુણેમાં 4 હજાર 678 ઘર માટે એક સાથે સહિયારી જાહેરાત આપવામાં આવશે. નવી સિસ્ટમ અનુસાર લોટરી પહેલાં અને લોટરી પછીની તમામ પ્રક્રિયા 100 ટકા ઓનલાઈન રહેશે. ઈચ્છુકોએ અરજી સાથે જરૂરી કાગળપત્રો રજૂ કરવા પડશે. મહત્વની વાત એટલે લોટરી પહેલાં જ પાત્રતા નિશ્ચિત કરવામાં આવશે અને પાત્ર બનેલા ઈચ્છુકો જ લોટરીમાં ભાગ લઈ શકશે.

20 ટકાના ઘરની વધુ માગણી
થાણે, નવી મુંબઈમાં 20 ટકાના ઘરની વધુ માગણી છે. 2021ની લોટરીમાં 20 ટકાના 812 ઘરનો સમાવેશ હતો. આ 812 ઘર માટે 2 લાખ 7 હજાર અરજી મળી હતી. એ અનુસાર આ વખતે 20 ટકાના ઘરની સંખ્યા વધારવામાં આવી છે. આ વખતની લોટરીમાં 20 ટકાના 1 હજાર 235 ઘરનો સમાવેશ છે.

ઘર માટે દસ્તાવેજી પૂરાવાની તૈયારી કરો
પત્રકાર, કલાકાર, ભૂતપૂર્વ સૈનિક, સ્વાતંત્ર્ય સૈનિક સહિત બીજા જૂથ માટે લોટરીમાં ઘર અનામત રાખવામાં આવે છે. નવા ફેરફાર અનુસાર હવે પ્રમાણપત્રો લોટરી પહેલાં રજૂ કરવાના રહેશે. આ પ્રમાણપત્રની ચકાસણી પણ લોટરી પહેલાં થશે. એ પછી ફક્ત પાત્ર અરજીનો જ લોટરીમાં સમાવેશ કરવામાં આવશે. ઓનલાઈન ચકાસણીમાં માનવી હસ્તક્ષેપ ટાળવા માટે પ્રમાણપત્રનો એક નિશ્ચિત નમૂનો જાહેર કરવામાં આવશે. આ નમૂના પ્રમાણે જ પ્રમાણપત્ર રજૂ કરવા ફરજિયાત રહેશે. તેથી અરજી કરવા પહેલાં જ ઈચ્છુકોએ કાગળપત્રો ભેગા કરીને રાખવા પડશે.

અન્ય સમાચારો પણ છે...