મુંબઈ રેલવે વિકાસ મહામંડળે નવા ઉપનગરીય માર્ગ પનવેલ-કર્જતનું કામ ઝડપભેર શરૂ કર્યું છે. આ પ્રકલ્પ અંતર્ગત મુંબઈ લોકલની પાયાભૂત સુવિધામાં મહત્વનો તબક્કો સાબિત થનાર સૌથી લાંબા બોગદાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે વપરાતા પારસિક બોગદા કરતા આ નવું બોગદું બમણી લંબાઈનું છે.
મુંબઈથી પનવેલ માર્ગે કર્જત જવાનો વિકલ્પ આ નવા રેલવે રૂટના લીધે ઉપલબ્ધ થશે. કલ્યાણ માર્ગે કર્જત જવાની સરખામણીએ આ રૂટ પર પ્રવાસીઓના સમયની બચત થશે. આ માર્ગના લીધે પનવેલ-કર્જત જેવા શહેરનો વિકાસ થશે એમ એમઆરવીસીના અધ્યક્ષ અને વ્યવસ્થાપકીય સંચાલક સુભાષચંદ ગુપ્તાએ જણાવ્યું હતું.
એમઆરવીસીના મુંબઈ નાગરી પરિવહન પ્રકલ્પ 3 (એમયુટીપી-3) અંતર્ગત પનવેલ-કર્જત લોકલનો રૂટ ઊભો થઈ રહ્યો છે. આ રેલવે માર્ગ પર નઢાલ, કિરવલી અને વાવર્લે એમ ત્રણ બોગદા બાંધવામાં આવી રહ્યા છે. એમાંથી વાવર્લે બોગદું 2 હજાર 600 મીટર લાંબું છે. નઢાલની લંબાઈ 219 મીટર અને કિરવલીની લંબાઈ 300 મીટર છે.
વાવર્લે બોગદું પૂરું થયા પછી એ મુંબઈ ઉપનગરીય રેલવેમાર્ગમાં સૌથી લાંબુ બોગદું બનશે એમ એમઆરવીસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. આ બોગદા ઉપરાંત બે ફ્લાયઓવર બાંધવામાં આવી રહ્યા છે. કર્જત નજીકનો ફ્લાયઓવર 1225 મીટર અને પનવેલ નજીકનો ફ્લાયઓવર 1375 મીટરનો છે. માર્ચ 2025 સુધી પ્રકલ્પનું કામ પૂરું કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
પનવેલ-કર્જત ઉપનગરીય રેલવેમાર્ગની વિશેષતા
પનવેલ-કર્જત ઉપનગરીય રેલવેમાર્ગ 2 હજાર 782 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવી રહ્યો છે. આ રૂટ પર 5 સ્ટેશન હશે. એમાં પનવેલ, ચિખલે, મોહપે, ચૌક અને કર્જતનો સમાવેશ છે. આ રેલવેમાર્ગની કુલ લંબાઈ 30 કિલોમીટર છે. આ રૂટ પર બે ફ્લાયઓવર અને 3 બોગદા હશે. ઉપરાંત કુલ 44 પુલ હશે જેમાં 8 મોટા પુલ અને 36 નાના પુલ હશે. આરઓબી/આરયુબીમાં 5 રોડ ઓવરબ્રિજ, 15 રોડ અંડરબ્રિજ અને પાટા ઓળંગવા માટે એક ફૂટઓવર બ્રિજ હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.