ભાસ્કર વિશેષ:માર્ચ 2025માં હાર્બર લાઈનમાં લોકલ બોરીવલી સુધી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂસંપાદન પ્રસ્તાવ મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે રજૂ કરવામાં આવ્યો

ગોરેગાવ સુધી દોડતી હાર્બર લાઈનની સેવાનું વિસ્તરણ બોરીવલી સુધી કરવામાં આવશે અને આ પ્રકલ્પ માટે ભૂસંપાદન તથા ઝાડોનું સર્વેક્ષણ કરવા બાબતનો પ્રસ્તાવ રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવ્યાની માહિતી પશ્ચિમ રેલવેના અધિકારીઓએ આપી હતી. આ વિસ્તરણ પ્રકલ્પ માર્ચ 2025 સુધી પૂરું કરવાની ઈચ્છા છે અને એ પછી પ્રવાસીઓ હાર્બર લાઈનમાં બોરીવલીથી સીએસએમટી સુધી પ્રવાસ કરી શકશે. હાર્બર લાઈનમાં સીએસએમટી-પનવેલ, સીએસએમટી-અંધેરી, ગોરેગાવ સુધી લોકલ દોડે છે. ગોરેગાવથી પનવલ લોકલ પણ શરૂ કરવામાં આવી છે.

આ પહેલાં ગોરેગાવના બદલે સીએસએમટી-અંધેરી સુધી હાર્બર સેવા હતી. સીએસએમટીથી અનેક પ્રવાસીઓ અંધેરી સુધી પ્રવાસ કરીને આગળ પશ્ચિમ રેલવેમાં લોકલ ટ્રેનથી પ્રવાસ કરતા હતા. પ્રવાસીઓની માગણી ધ્યાનમાં રાખતા હાર્બર લાઈનની સેવાનું વિસ્તરણ બોરીવલી સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. માર્ચ 2019થી ગોરેગાવ સુધી લોકલ દોડાવવાનું શરૂ થયું. હવે હાર્બર લાઈનની સેવા બોરીવલી સુધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ પ્રકલ્પ માટે સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યો છે.

પ્રકલ્પમાં વચ્ચે આવતા ઝાડ, ભૂસંપાદન સહિત વિવિધ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. તેમ જ લાઈનની રૂપરેખા નિયોજન અને પુલનું સામાન્ય રેખાચિત્ર તૈયાર કરવાનું કામ ચાલુ છે. ઝાડનું સર્વેક્ષણ અને ભૂસંપાદનનો પ્રસ્તાવ રાજ્ય સરકાર પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યાની માહિતી પશ્ચિમ રેલવેના અધિકારીએ આપી હતી. અંતિમ વિગતવાર પ્રકલ્પ અહેવાલ તૈયાર કરવાનું કામ અત્યારે ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

પ્રકલ્પની વિશેષતાઓ
હાર્બર લાઈનનું ગોરેગાવથી બોરીવલી સુધી વિસ્તરણ કરવામાં આવશે. આ રૂટ 7 કિલોમીટરનો છે. પ્રકલ્પનો ખર્ચ 825 કરોડ 31 લાખ રૂપિયા જેટલો અંદાજિત છે. ઉપલબ્ધ જગ્યા ધ્યાનમાં રાખીને ગોરેગાવ અને બોરીવલી વચ્ચે હાર્બર લાઈનમાં કેટલાક ઠેકાણે એલિવેટેડ રૂટ કરવાનો વિચાર છે. વિસ્તરણ પૂરું થતા જ 2031 સુધી પ્રવાસી સંખ્યામાં વધુ બેત્રણ લાખનો ઉમેરો થશે. વિસ્તરણ કરતા સમયે કેટલાક ખાનગી અને રેલવેના બાંધકામ પર હથોડો પડશે. અત્યારે બોરીવલી સુધી પાંચ લેન છે અને છઠ્ઠી લેનનું કામ કરવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં હાર્બર લાઈનમાં વધુ બે લેનનો ઉમેરો થશે. તેથી બોરીવલી સુધી કુલ 8 લેન હશે. મુંબઈ રેલવે વિકાસ મહામંડળે ભવિષ્યમાં હાર્બર લાઈનને બોરીવલીથી વિરાર સુધી લંબાવવાનું નિયોજન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...