ધરપકડ:ઉધારના રૂ. 13 કરોડ માગનારા વેપારીને ધમકી આપનારા ત્રણ સુરતીની ધરપકડ

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓમાં શકીલ અને ગાઝીપુરા ગેન્ગના ગુંડાઓ સામેલ, વેપારીને સુરતનો કામધંધો સમેટી મુંબઈ આવવાની ફરજ પડી

ધંધાદારી લેણદેણમાં વિશ્વાસ સંપાદન કર્યા પછી રૂ. 13 કરોડ ઉધાર લઈને તે પાછા માગતાં કરાચી સ્થિત ગેન્ગસ્ટર છોટા શકીલ અને સુરતની ગાઝીપુરા ગેન્ગના ગુંડાઓ થકી ધાકધમકી અપાવવા પ્રકરણે મુંબઈની એન્ટી એક્સટોર્શન સેલ દ્વારા સુરતથી ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓમાં સુરતના રાંધેર સ્થિત સુથારવાડનો મહંમદ ઈલિયાસ મહંમદ બિલાલ કાપડિયા (42), રાંધેરની પાકીઝા સોસાયટીનો મોહિદ્દીન બેગ આઝમ ઉર્ફે આરીફ મિરઝા (52) અને રાંધેર ખાતે રોયલ રેસિડેન્સીમાં રહેતા મહંમદ અસ્લમ મહંમદ ઝકરિયા નવીવાલા (63)ની રાંધેરથી મુંબઈ પોલીસે ધરપકડ કરી છે, જ્યારે નવીવાલાનો પુત્ર અહતેશામ અને અન્ય ગુંડાઓની પોલીસ શોધ ચલાવી રહી છે.આ કેસનો ફરિયાદ મુંબઈમાં પાયધુની ખાતે રહે છે. તે મૂળ સુરતમાં ટેક્સટાઈલ્સ બ્રોકર હતો અને ખાનગી વેપારીઓની રકમ લઈને બજારમાં જરૂર અનુસાર રોકાણ પણ કરતો હતો.

સુરતમાં મેમણ સમાજના એક કાર્યક્રમમાં નવીવાલા પિતા- પુત્રની ફરિયાદી સાથે ઓળખ થઈ હતી. જાન્યુઆરી 2019માં નવીવાલાએ તેની રિંગ રોડમાં નવાબવાડી રોડ પર મિલન એમ્પાયર બિલ્ડિંગમાં પોતાની ઓફિસમાં ફરિયાદીને બોલાવ્યો હતો. નવીવાલાએ પોતાની મિલન સિલ્ક મિલ્સ કંપની સુરતમાં કપડાં તૈયાર કરી આખા ભારતમાં વેચે છે, મૌલીન એક્સપોર્ટસ વિદેશમાં કપડાં આયાતનિકાસ કરે છે અને મેટ એશિયા ભંગા લેવેચ કરે છે એવી માહિતી આપી અને જોડે કમિશનના ધોરણે કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

ફેબ્રુઆરી 2019થી ફરિયાદીએ રોકાણકારોના પૈસા નવીવાલા પાસે રોકાણ કરવાનું શરૂ કર્યું. નવીવાલા શરૂઆતમાં નફો અને મૂળ રકમ સમયસર આપતો હતો. નવેમ્બર 2019માં નવીવાલાએ વિદેશમાંથી મોટે પાયે કપડાની માગણી આવી છે અને ભંગારનું પણ મોટું કન્સાઈનમેન્ટ આવવાથી મોટી રકમની જરૂર છે એવું કહ્યું હતું. અગાઉ બધા વ્યવહારો ચોખ્ખા થયા હોવાથી ફરિયાદીએ પોતાના રોકાણકારો જુનૈદ યાકુબ મોતીવાલા, અશરફ પાનવાલા, સોહેબ કલ્લુડી, આવેશ ઝુનઝુનિયા, હસનભાઈ પાસેથી રૂ. 13 કરોડ રોકડ લઈને નવીવાલાને આપ્યા હતા. 30થી 45 દિવસમાં નફો અને મૂળ રકમ પાછી આપવાનું વચન આપ્યું હતું.

રેકોર્ડ પરના ગુંડા
આરોપી ઈલિયાસ કાપડિયા વિરુદ્ધ સુરતના રાંદેર, અમરોલી, ક્રાઈમ બ્રાન્ચમાં છ ગંભીર ગુના નોંધાયેલા છે. મિરઝા આરીફ વિરુદ્ધ મુંબઈમાં નાગપાડા, ડોંગરી, જેજે માર્ગ, સીએસટી રેલવે પોલીસ, પાયધુની, એમઆરએ માર્ગ, ક્રાઈમ બ્રાન્ચમાં 14 ગુના નોંધાયેલા છે. ઈલિયાસ સુરકતની ગાઝીપુરા ગેન્ગને ગુંડો છે, જ્યારે આરીફ શકીલ ગેન્ગનો ગુંડો છે, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસ હવે અન્ય આરોપીઓની શોધ ચલાવી રહી છે.

સુરતમાં ધંધો કરવા 50 લાખ માગ્યા
આ પછી ફરિયાદીને ધાકધમકી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પૈસા માગશે તો જાનથી ખતમ કરવાની ધમકી આપતા હતા. ઉપરાંત હવે પછી સુરતમાં ધંધો કરવો હોય તો રૂ. 50 લાખ આપવા પડશે એવી ધમકી પણ આપી હતી. તે પછી ફરિયાદીના સુરતના ઘરની રેકી કરવાનું શરૂ કર્યું હતું. ફરિયાદી ભયભીત થતાં કુટુંબ સાથે મુંબઈમાં આવી ગયો હતો. આમ છતાં આરોપીઓ દ્વારા સતત ધમકી અપાતી હતી. આથી આખરે મુંબઈ પોલીસની એન્ટી એક્સટોર્શન સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

પૈસા પાછા આપવામાં ટાળાટાળ
આ પછી નિશ્ચિત સમય વીતી જવા છતાં નવીવાલા દાદ આપતો નહોતો. કોવિડ-19નું કારણ આપીને પૈસા આપવાનું ટાળતો હતો. બીજી બાજુ રોકાણકારો પણ પાછળ પડી જતાં ફરિયાદી વારંવાર નવીવાલાની ઓફિસમાં જઈને પૈસાની માગણી કરતો હતો. માર્ચ 2020માં નવીવાલાએ એમ કે એન્ડ કંપનીના માલિક ઈલિયાસ કાપડિયા અને આરીફ મિરઝા બેગને પૈસા પાછા આપવાની જવાબદારી સોંપી છે એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...