ભાસ્કર વિશેષ:મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાં આગીયાઓનો ઝળહળાટ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગીયાઓમાં નર પ્રજનન પછી અને માદા ઈંડા મૂક્યા પછી તેઓ તેમનુ જીવન પૂરું કરે છે

શહેરના પર્યટકો ડુંગર, ખીણ, અભયારણ્યા જેવી જગ્યાઓની મુલાકાત લેવાનું મોટા પ્રમાણમાં પસંદ કરે છે. મે મહિનાથી પશ્ચિમ ઘાટના જંગલ પરિસરમાં રાતના ચમકતા આગીયાઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કુદરતનો આ અદભૂત નજારો અત્યારે પશ્ચિમ ઘાટમાં જોવા મળી રહ્યો છે. કેટલીક સંસ્થાઓ નિયમ પાળીને પર્યટકોને આ આગીયાઓના ઝળહળાટના દર્શન કરાવે છે. ફક્ત એકથી દોઢ મહિનાનું આયુષ્ય ધરાવતા આગીયાઓને જોવા એક નોખો આનંદ આપે છે. શરૂઆતમાં ઓછી સંખ્યામાં દેખાતા આગીયા જૂન મહિનાના ઉતરાર્ધ સુધી મોટી સંખ્યામાં જોવા મળે છે.

આકર્ષક આગીયાઓ પોતાના સાવ ઓછા દિવસના જીવનમાં અનેરો આનંદ આપે છે. અત્યારે પશ્ચિમ ઘાટના તમામ રસ્તાઓ, ગામ, જંગલમાં ટમટમતા આગીયાઓ જોવા મળી રહ્યા છે. આગીયાઓ સ્વયંપ્રકાશિત હોવાથી એના પર ટોર્ચ કે કારની લાઈટ ફેંકવી નહીં. રાતના સમયે ટમટમતા આ આગીયાઓનું આકર્ષણ નાના બાળકોથી માંડીને વરિષ્ઠ નાગરિકો બધાને હોય છે. આગીયાની પૂંછડીમાં એક અવયવ એવો હોય છે જેમાં લ્યુસિફેરિન નામનું એક કેમિકલ હોય છે. આ કેમિકલનું ઓક્સિજન સાથે સંયોજન થવાથી એમાંથી પ્રકાશ નીકળે છે.

આ પ્રકાશમાં અને વીજ બલ્બના પ્રકાશમાં એક મૂળભૂત ફરક હોય છે. વીજનો બલ્બ ઉષ્ણતા નિર્માણ કરે છે પણ આગીયાઓનો પ્રકાશ ઠંડો હોય છે. મે મહિના સુધી આગીયાઓના પ્રજનન દિવસ હોય છે. પોતાના જોડીદારને આકર્ષિત કરવા આગીયા પ્રકાશથી ઝળહળે છે. નર અને માદાના મિલન પછી નરનું જીવન પૂરું થાય છે. એની કુદરતી ભૂમિકાનો અંત આવે છે. માદા ઈંડા મૂકીને જીવન પૂરું કરે છે.

પર્યટકોના કારણે આગીયા મહોત્સવ રદ
રાધાનગરી અભયારણ્યમાં દર વર્ષે આગીયા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પણ છેલ્લા થોડા વર્ષોથી અતિઉત્સાહી પર્યટકોની સંખ્યા વધી છે. આ લોકો જંગલમાં ફરતા સમયે આગીયાઓના ફોટા પાડવા ફ્લેશલાઈટનો ઉપયોગ કરે છે. બેટરીનો પ્રકાશ મારે છે. કેટલીક સંસ્થા જંગલમાં ભોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરે છે. અનિયંત્રિત પર્યટનના કારણે આગીયાઓનો મિલનકાળ જોખમમાં મૂકાવાથી મહોત્સવ પર બંધી મૂકો એવી માગણી વન્યપ્રાણી અભ્યાસુઓ અને સંસ્થાઓએ વન વિભાગ પાસે કરી હતી.

એ અનુસાર આ વર્ષે આગીયા મહોત્સવ પર બંધી મૂકવામાં આવી છે. નિસર્ગપ્રેમી સંસ્થાઓ અને અભ્યાસુઓ તરફથી થતો વિરોધ અને પર્યટકોના ઉપદ્રવને ધ્યાનમાં લઈને અમે આગીયા મહોત્સવ બંધ કર્યો છે. આગીયા જોવા માટે પર્યટકો માગણી કરે તો તેમને સાંજના સમયે જંગલના રસ્તા પર લઈ જઈએ છીએ. કારમાં બેઠા બેઠા જ આગીયાઓ દેખાડીને અમે પાછા ફરીએ છીએ એમ રાધાનગરી અભયારણ્યના બાયસન નેચર ગ્રુપના અધ્યક્ષ સમ્રાટ કેરકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...