દરખાસ્ત:પોકસો સંબંધી ફરિયાદનો નિર્ણય તુરંત પાછો ખેંચવા કમિશનરને પત્ર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળ અધિકાર રક્ષણ પંચનાં અધ્યક્ષા સુશીબેન શાહે ગંભીર નોંધ લીધી

અલગ અલગ કારણોસર વાદવિવાદનું વેર વાળવા માટે અમુક કિસ્સામાં પોક્સો (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012) અને વિનયભંગની ફરિયાદ નોંધાવવામાં આવે છે, જે ખોટી સિદ્ધ થાય ત્યાં સુધી આરોપીને માનસિક, ભાવનાત્મક સહિતની હાનિ થતી હોય છે એવું ધ્યાનમાં આવ્યું હોવાથી હવે પછી આવી ફરિયાદો જે તે વિભાગના એસીપી અને ડીસીપીની સંમતિ પછી જ દાખલ કરવી એવા કમિશનર સંજય પાંડેએ જારી કરેલા આદેશ સામે બાળ અધિકારના રક્ષણ માટેના રાજ્યના પંચે ઘોર નારાજી બતાવી છે અને બે દિવસમાં આ નિર્ણય પાછો ખેંચવા જણાવ્યું છે.

પંચનાં અધ્યક્ષા સુશીબેન વી શાહે પાંડેના નિર્ણયની ગંભીર નોંધ લઈને તેમનો 6ઠ્ઠી જૂનનો આદેશ તુરંત પાછો ખેંચી લેવા માટે જણાવ્યું છે. આ કાયદો બાળકો સામે વિવિધ પ્રકારના જાતીય ગુનાઓ સામે રક્ષણ કરવા ઘડાયો હતો. આવી ફરિયાદો આવવા પર એસીપીની ભલામણ અને ડીસીપીની પરવાનગી પછી ગુનો દાખલ કરવાનો આદેશ પોક્સો ધારાનું સરિયામ ઉલ્લંઘન કરે છે. કાયદા અનુસાર આવી ફરિયાદો આવ્યા પછી પોલીસ અધિકારીએ તુરંત એફઆઈઆર દાખલ કરવાની હોય છે.

તમારા આદેશથી ફરિયાદ નોંધાવવામાં બિનજરૂરી રીતે વિલંબ થશે, જેને કારણે પીડિત અને તેમના પરિવારોને વધુ હેરાનગતી થશે, એમ પત્રમાં જણાવ્યું છે.ખોટા કેસ નોંધાવવામાં આવે છે અને ગુના સિદ્ધ નહીં થતાં આરોપીને બેસુમાર નુકસાન પહોંચે છે એવાં તમારાં નિવેદનોને આપતા કોઈ કાયદેસર અથવા દસ્તાવેજી પુરાવા તમે આપ્યા નથી, જેની અમે ગંભીર નોંધ લીધી છે. તમારો પત્ર બતાવે છે કે તમને પીડિત અને તે જેમાંથી ગુજરી શકે તે આઘાત વિશે કોઈ દયા નથી.

બે દિવસમાં નિર્ણય પાછો ખેંચો
આ ધારો લાવવા માટેરાજ્ય મહિલા અને બાળ વિભાગ, પંચ, અનેક એનજીઓ દ્વારા લગભગ એક દાયકા સુધી પ્રયાસ કર્યા હતા. આ કાયદો અમલમાં આવ્યા પછી રાજ્યના હજારો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોકસો સંબંધી ગુનામાં વિવિધ પ્રક્રિયાઓનું કઈ રીતે પાલન કરવું તેની વ્યાપક તાલીમ આપવામાં આવી છે.

આવા સંજોગોમાં તમારા આદેશથી જાતીય શોષણનો ભોગ બનેલાના અધિકારનું ગંભીર રીતે હનનન થશે અને ન્યાય મેળવવા પીડિતને અયોગ્ય રીતે વિલંબ થશે, એમ પણ પત્રમાં જણાવ્યું છે. આથી આગામી બે દિવસમાં આ આદેશ તુરંત પાછો ખેંચવામાં આવે એમ પત્રમાં જણાવાયું છે. આથી હવે પાંડે શું નિર્ણય લેશે તેની પર સૌની મીટ મંડાયેલી રહેશે.

અન્ય સમાચારો પણ છે...