મુંબઈમાં 2016માં કાઢવામાં આવેલી બાઈક રેલીમાં ભાગ લેનારા બધા નેતાઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. મંગળવારે ગિરગાવ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. સબળ પુરાવાને અભાવે કોર્ટે ગુનો દાખલ કરાયેલા બધા નેતાઓને નિર્દોષ મુક્ત કર્યા હતા. આમાં ભાજપના આશિષ શેલાર, કોંગ્રેસના ભાઈ જગતાપ, શિંદે જૂથના ભરત ગોગાવલે, ઠાકરે જૂથના વિનોદ ઘોસાળકર, રાજન ઘાગ, મરાઠા ક્રાંતિ મોરચાના વીરેન્દ્ર પવાર વગેરેનો સમાવેશ થાય છે.
2016માં મુંબઈમાં મરાઠા અનામત માટે બાઈક રેલી કાઢવામાં આવી હતી, જેમાં લગભગ બધા જ પક્ષના નેતાઓ જોડાયા હતા. આમાંથી છ નેતાઓ પર ગુનો દાખલ કરાયો હતો, જેમને ગિરગાવ કોર્ટે મંગળવારે નિર્દોષ જાહેર કર્યા હતા. પરવાનગી લીધા વિના બાઈક રેલી કાઢવી, જમાવબંધીના આદેશનું ઉલ્લંઘન, ટ્રાફિકમાં અવરોધ માટે નેતાઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સબળ પુરાવાને અભાવે બધાને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.
બાઈક રેલી ચેમ્બુરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી કાઢવામાં આવી હતી. રેલીમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નહોતી. જોકે જરૂરી પરવાનગીઓ નહીં લેવાથી અને જમાવબંધીના આદેશનું ઉલ્લંઘન કરવાથી આ ગુના દાખલ કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.