મુંબઈ ક્લાઈમેટ એકશન પ્લાન:ચોમાસામાં એક લાખ વૃક્ષ વાવવા માટે ‘મુંબઈ ગ્રીન યોદ્ધાનો’ શુભારંભ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહાપાલિકા દ્વારા ખાનગી સહભાગ સાથે મુંબઈ ગ્રીન યોદ્ધા ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે. આ એક નાગરિક ચળવળ છે અને તેના હેઠળ આ ચોમાસામાં મહાપાલિકાએ આખા શહેરમાં નક્કી કરેલાં સ્થળોએ એક લાખ વૃક્ષોની વાવણી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

વિશ્વ પર્યાવરણ દિનની પૂર્વસંધ્યાએ મુંબઈ ગ્રીન યોદ્ધા ઝુંબેશનો શુભારંભ પર્યાવરણ અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ કર્યો હતો. આ અવસરે મુંબઈ મહાપાલિકા, અદાણી ઈલેક્ટ્રિસિટી, અદાણી ફાઉન્ડેશનના સિનિયર અધિકારીઓ પણ હાજર હતા. મુંબઈ ક્લાઈમેટ એકશન પ્લાનના ભાગરૂપે આ ઝુંબેશની શરૂઆત કરાઈ છે. મુંબઈ ક્લાઈમેટ એકશન પ્લાનની શરૂઆત 13 માર્ચ, 2022ના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના હસ્તે કરાઈ હતી.

મુંબઈના વન આચ્છાદન વિશે વાત કરીએ તો 1988માં મુંબઈમાં હરિયાળીનું પ્રમાણ 46.42 ટકા હતું જે ઘટીને 2018માં 26.67 ટકા થઈ ગયું હતું. નીચલા આવકવાળા વિસ્તારમાં હરિયાળી ઘટી છે. વાસ્તવમાં આ વિસ્તારોમાં તાપમાન ચારથી પાંચ ડિગ્રી વધુ હોય છે. આ પશ્ચાદભૂમાં મુંબઈ ગ્રીન યોદ્ધા ઝુંબેશ અનોખી બની જાય છે. આ એક વૃક્ષારોપણનો માત્ર કાર્યક્રમ નથી, પણ શહેરની હરિયાળીને 2030 સુધીમા 40 ટકાથી વધારવાના ઉદેશ્ય સાથેની ઝુંબેશ છે. હરિયાળીને સાકાર કરવા વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવ્યો છે..

શહેરના જળ-વનના પ્રમાણને વધારવા પર્યાવરણ તરફી અભિગમ અપનાવાશે. એ ઉપરાંત તાપમાનમાં વધારો ન થાય તથા પુરનું જોખમ ટાળવાના પ્રયાસો થશે અને દરેકનો સમાવેશ કરતાં સામાજિક માપદંડોનો સ્વિકાર કરવામાં આવશે. જ્યાં જ્યાં વૃક્ષારોપણ કરાશે એ વિસ્તારોની જૈવ-વિવિધતામાં વધારો થાય છે કે કેમ, તાપમાન ઘટે છે કે કેમ, પ્રદુષણ નિયંત્રણમાં રહે છે કે કેમ અને વૃક્ષો મૃતપાય તો નથી થતાં એ બધા પાસાં પર ચાંપતી નજર રાખવા મજબુત મુલ્યાંકન પ્રક્રિયા સ્થાપવામાં આવશે.

હરિયાળી ઘટી છે ત્યાં વૃક્ષારોપણ : મહાપાલિકાના જે વૉર્ડમાં પુરનું જોખમ છે તથા જ્યાં હરિયાળી ઘટી છે એ વૉર્ડમાં વૃક્ષારોપણને પ્રાધાન્ય આપવામાં આવશે. વૃક્ષારોપણ પહેલા જમીનની માટીનો, જળ વિજ્ઞાનનો, કુદરતી વાતાવરણનો અને ભૂજળના પાસાનો અભ્યાસ કરવામાં આવશે. એ પછી કઈ દેશી પ્રજાતિના વૃક્ષની વાવણી કરવી એનો નિર્ણય કરાશે. આને લીધે વૃક્ષનું આયુષ્ય વધશે અને એ ટકશે. દેશી પ્રજાતિના વૃક્ષોની વાવણીને પ્રાધાન્ય અપાશે. આ એવા દેશી વૃક્ષો હશે જેને પાણી ઓછું જોઈશે અને સ્થાનિક વાતાવરણમાં ટકી જશે. આ એવા દેશી વૃક્ષો હશે જેને લીધે ભૂજળની સીમામાં વધારો થશે અને જમીનની માટીના ખરાબાને અટકાવશે. સ્થાનિક પશુ-પક્ષીને પણ આ વૃક્ષો આશ્રય આપશે.

સરકારના ઉદ્દેશને ટેકો
અદાણી ફાઉન્ડેશનના પ્રવક્તાએ કહ્યું હતું કે મુંબઈ ગ્રીન યોદ્ધા ઝુંબેશ સાથે હાથ મિલાવીને ખુશી થઈ છે. આ ઝુંબેશમાં નાગરિકો, સરકાર અને સંસ્થાઓ સાથે આવી છે અને દરેકનો ઉદેશ્ય મુંબઈ શહેરની હરિયાળી વધારવાનો છે. સરકારનો ઉદેશ્ય 2070 સુધીમા નેટ ઝીરો ઈકોનોમી અને 2030 સુધીમાં વાતાવરણમાં કાર્બન-ડાયોક્સાઈડના પ્રમાણને એક અબજ ટન ઘટાડવાનું છે. સરકારના આ ઉદેશને અમારો ટેકો છે.

હરિયાળંુ, સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ
અદાણી ઈલેક્ટ્રિકસિટિના પ્રવક્તાએ આ પ્રસંગે કહ્યું હતું કે મુંબઈની એક જવાબદાર કંપની તરીકે મુંબઈ ક્લાઈમેટ એક્શન પ્લાનમાં સૌથી વધુ ફાળો આપવા માગે છે. 2023 સુધીમાં મુંબઈની વીજ માગમાંથી 30 ટકા વીજ માગ રિન્યુએબલ ઉર્જાથી પુરી કરાશે અને 2027 સુધીમા આ હિસ્સાને 70 ટકા કરાશે. મુંબઈગરાઓને હરિયાળુ, સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ આપવાના અમારા વચનના ભાગરૂપે મુંબઈ ગ્રીન યોદ્ધાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...