સુવિધા:મેટ્રો-1ની ટિકિટ વોટ્સએપ પર મેળવવાની સુવિધાની શરૂઆત

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટિકિટબારી પર જઈને લાઈન લગાડવામાંથી પ્રવાસીઓને મુક્તિ મળશે

પ્રવાસીઓની સગવડ માટે મુંબઈ મેટ્રો વન પ્રા.લિ. ઈ-ટિકિટની સુવિધા આ પહેલાં જ ઉપલબ્ધ કરી આપી છે. જો કે આ ટિકિટ લેવા માટે પ્રવાસીઓએ ટિકિટબારી પર જવું પડે છે અને લાઈનમાં ઊભા રહેવું પડે છે. હવે ટિકિટબારી પર ગયા વિના અને લાઈન ન લગાડતા વોટ્સએપ પર ટિકિટ ઉપલબ્ધ કરી આપવાની શરૂઆત એમએમઓપીએલ દ્વારા ગુરુવારથી કરવામાં આવી હતી.

મેટ્રો-1માં દરરોજ પોણા ચાર લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. અંધેરી ખાતેનો ગોખલે પુલ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો ત્યારથી મેટ્રો-1ના પ્રવાસીઓની સંખ્યામાં 20 હજારનો વધારો થયો છે. ટૂંક સમયમાં પ્રવાસીઓની સંખ્યા 4 લાખને પાર કરશે એવો વિશ્વાસ એમએમઓપીએલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

પ્રવાસીઓની સંખ્યા વધારવા પ્રયત્ન કરતા એમએમઓપીએલે પ્રવાસીઓને વધુમાં વધુ સુવિધા ઉપલબ્ધ કરી આપવા મેટ્રોમાં પ્રવાસ વધુ સહેલો થાય એનો પણ પ્રયત્ન કરે છે. એના જ ભાગ તરીકે હવે એમએમઓપીએલે વોટ્સએપ ઈ-ટિકિટ સેવા શરૂ કરી છે. એમએમઓપીએલ દ્વારા એપ્રિલમાં ઈ-ટિકિટની સેવા શરૂ કરવામાં આવી હતી.

જો કે આ ઈ-ટિકિટ લેવા માટે પ્રવાસીઓએ ટિકિટબારી પર જવું પડે છે. મોબાઈલ પર ઓટીપી મળ્યા પછી આગળની પ્રક્રિયા પૂરી કર્યા બાદ પ્રવાસીને ઈ-ટિકિટ ઉપલબ્ધ થાય છે. પણ પ્રવાસીએ ટિકિટબારી પર જવું ન પડે એ માટે એમએમઓપીએલ તરફથી હવે વોટ્સએપ પર ટિકિટ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.

ટિકિટ વોટ્સએપ દ્વારા ક્યૂઆર કોડના સ્વરૂપમાં વિતરિત કરવામાં આવે છે. એમએમઓપીએલ તરફથી આપવામાં આવેલા મોબાઈલ નંબર પર હાય મેસેજ મોકલ્યા પછી જે લિન્ક આવશે એના પરથી સંબંધિત પ્રક્રિયા પૂરી કરીને ઓનલાઈન પેમેન્ટ દ્વારા ઈ-ટિકિટ ખરીદી શકાશે.

અન્ય સમાચારો પણ છે...