ભાસ્કર વિશેષ:મુંબઈમાં રસીકરણ ઝડપી કરવા હર ઘર દસ્તક ઝુંબેશ શરૂ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12-14 અને 15-17 વર્ષના વયજૂથના બાળકોને અગ્રતા આપીને રસીકરણ કરવામાં આવશે

કોવિડ પ્રતિબંધાત્મક રસીકરણને ઝડપી બનાવવા ખાસ કરીને 12 થી 14 અને 15 થી 17 વર્ષના વયજૂથના બાળકોના રસીકરણના પ્રમાણને વધારવા માટે મુંબઈમાં કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર હર ઘર દસ્તક ઝુંબેશ 1 જૂન 2022થી શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ 31 જુલાઈ સુધી ચાલુ રહેશે.

ઘર નજીકના કોવિડ રસીકરણ કેન્દ્રમાં જઈને પાત્ર વ્યક્તિ કોવિડ રસી મૂકાવે એ માટે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર મુંબઈ મહાપાલિકા કાર્યક્ષેત્રમાં 16 જાન્યુઆરી 2021 થી કોવિડ-19 વાયરસ પ્રતિબંધાત્મક રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. એના અંતર્ગત 18 વર્ષથી ઉપરના તમામ પાત્ર નાગરિકોનું પહેલા ડોઝનું 112 ટકા અને બીજા ડોઝનું 101 ટકા રસીકરણ પૂરું કરવામાં આવ્યું છે.

3 જાન્યુઆરી 2022થી 15 થી 17 વર્ષના વયજૂથના લાભાર્થીઓનું અને 16 માર્ચ 2022થી 12 થી 14 વર્ષના વયજૂથના લાભાર્થીઓનું કોવિડ-19 પ્રતિબંધક રસીકરણ કરવામાં આવી રહ્યું છે. એના માટે મહાપાલિકા અને સરકારી હોસ્પિટલમાં 107, ખાનગી હોસ્પિટલમાં 125 એમ કુલ 232 કોવિડ-19 રસીકરણ કેન્દ્ર ચાલુ છે. 12 થી 14 વર્ષના વયજૂથના લાભાર્થીઓના પહેલા ડોઝનું 28 ટકા અને બીજા ડોઝનું 12 ટકા રસીકરણ થયું છે. 15 થી 17 વર્ષના વયજૂથના લાભાર્થીઓના પહેલા ડોઝનું 57 ટકા અને બીજા ડોઝનું 45 ટકા રસીકરણ થયું છે. ટૂંકમાં 18 વર્ષથી ઉપરના પાત્ર નાગરિકોની સરખામણીએ 12 થી 17 વર્ષના વયજૂથમાં ખૂબ ઓછા પ્રમાણમાં રસીકરણ થયું છે.

કોવિડ સંક્રમણની ચોથી લહેરના સંભવિત જોખમને ધ્યાનમાં રાખતા કોવિ રસીકરણ ઝડપી બનાવવા અને સામાજિક પ્રતિકાર ક્ષમતા નિર્માણ કરવા કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર મુંબઈ મહાપાલિકાના કાર્યક્ષેત્રમાં 1 જૂન 2022 થી 31 જુલાઈ 2022 સુધી હરઘર દસ્તક ઝુંબેશ 2 અમલમાં મૂકાઈ છે. એમાં 12 થી 14 વર્ષ અને 15 થી 17 વર્ષના વયજૂથમાં તમામ બાળકોનું અગ્રતા આપીને રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

એ સાથે વૃદ્ધાશ્રમ અને બીજા વરિષ્ઠ નાગરિકોને (60 વર્ષ અને એનાથી મોટી ઉંમરના) પ્રતિબંધક ડોઝ (બુસ્ટર ડોઝ) આપવા માટે કાર્યવાહી કરવામાં આવશે. મુંબઈમાં તમામ પાત્ર નાગરિકોએ પોતાનું રસીકરણ પૂરું કરવું. એ જ પ્રમાણે પોતાના સંતાનોનું રસીકરણ પણ પૂરું કરવું એવી હાકલ મહાપાલિકા કમિશનર ડો. ઈકબાલ સિંહ ચહલ, અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (પશ્ચિમ ઉપનગર) ડો. સંજીવકુમારે કરી છે.

સ્કૂલ અને કોલેજમાં વિશેષ રસીકરણ સત્ર
આ ઝુંબેશમાં મહાપાલિકાના આરોગ્ય કર્મચારીઓ મારફત ઘેરઘેર જઈને મુલાકાત લેવામાં આવી રહી છે. આ મુલાકાતના આધારે 12 થી 14 અને 15 થી 17 વર્ષના વયજૂથમાં પહેલો અને બીજો ડોઝ લીધેલા બાળકો તેમ જ પ્રતિબંધાત્મક રસી ન લેનારા 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. રસી લેવા માટે ઘર નજીકના રસીકરણ કેન્દ્રમાં જવા માટે તેમને માર્ગદર્શન આપવામાં આવશે. તેમ જ વોર્ડના સ્તરે સ્કૂલ અને કોલેજમાં વિશેષ રસીકરણ સત્ર આયોજિત કરવામાં આવશે.

એના માટે સંબંધિત શિક્ષણ સંસ્થા સાથે મહાપાલિકાના મેડિકલ આરોગ્ય અધિકારીઓ સમન્વય સાધી રહ્યા છે જેથી પાત્ર વિદ્યાર્થીઓનું રસીકરણ કરી શકાય. આ ઝુંબેશની માહિતી નાગરિકો સુધી પહોંચે એ માટે અને એના દ્વારા રસીકરણ ઝડપી થાય એ માટે વિવિધ સોશિયલ મીડિયા માધ્મયનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...