મહારાષ્ટ્ર ATSની વધુ એક મોટી કાર્યવાહી:લશ્કરે-તોઈબાના આતંકવાદીની જમ્મુ-કાશ્મીરથી ધરપકડ કરાઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પ્રતિબંધિત સંગઠન લશ્કરે- તોઈબા માટે આતંકવાદીઓની ભરતી કરતા આરોપી જુનૈદ મહંમદ સાથે કડી ધરાવવા માટે એક આતંકવાદીની મહારાષ્ટ્ર એન્ટી ટેરરીઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા જમ્મુ- કાશ્મીરમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની જમ્મુ- કાશ્મીરના કિશ્તવાર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર એટીએસની ટીમ જુનૈદની કડીઓની તપાસ કરવા માટે જમ્મુ- કાશ્મીરમાં છે. જુનૈદને દેશના વિવિધ ભાગોમાંથી લશ્કરે-તોઈબા માટે આતંકવાદીઓની ભરતી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

28 વર્ષીય જુનૈદ મહંમદ અતા મહંમદની 24 મેના રોજ પુણેના દાપોડી વિસ્તારમાંથી એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેને સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવતાં 3 જૂન સુધી એટીએસની કસ્ટડી આપવામાં આવી હતી. તે સોશિયલ મિડિયાનાં મંચો થકી પાકિસ્તાન સ્થિત લશ્કરે-તોઈબાના આતંકવાદી નેટવર્કના સક્રિય આતંકવાદીઓ સાથે સંપર્કમાં હતો, એમ એટીએસના અધિકારીએ જણાવ્યું હતું.જુનૈદ મહંમદને વિવિધ રાજ્યમાંથી લશ્કરે-તોઈબા માટે નવા આતંકવાદીઓને ભરતી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ કામના ભાગરૂપે તે યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે મનાવી લેતો હતો.

આ પછી તેમને દેશમાં આતંકવાદી કૃત્યો હાથ ધરવા માટે તેમને તાલીમ આપવા જમ્મુ- કાશ્મીરમાં લઈ જવાતા હતા. તેમને કામ પૂરાં કરવા સામે તેમના આકાઓ દ્વારા નાણાં પ્રાપ્ત થતાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું.જમ્મુ- કાશ્મીર સ્થિત બેન્ક અકાઉન્ટમાંથી તેને રૂ. 10,000 પ્રાપ્ત થયા હતા. ચોક્કસ માહિતીને આધારે એટીએસની કાલાચોકી યુનિટે જુનૈદ સહિત ચાર આતંકવાદીઓની શોધ શરૂ કરી હતી. આ મુજબ પીઆઈ મંજુષા ભોસલેની આગેવાની હેઠળની ટીમે જુનૈદની ધરપકડ કરી હતી. તેની સામે ગુનો કરવા કાવતરું ઘડવું, બે જૂથ વચ્ચે દુશ્મનાવટ પેદા કરવી, આઈટી ધારા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...