મારી કદાચ ભૂલ થઈ:કોશ્યારીએ મરાઠી લોકોની જાહેર માફી માગી

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર સહિત દેશના વિકાસમાં બધાનુંં જ ઉલ્લેખનીય યોગદાન

મુંબઈના વિકાસમાં ગુજરાતીઓ અને રાજસ્થાનીઓના ગુણગાન ગાવા માટે ટીકાનું નિશાન બનેલા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મરાઠી સમાજની જાહેર માફી માગી છે. રાજ્યપાલે ગત શુક્રવારે અંધેરી ખાતે એક તકતીના અનાવરણ સમયે ગુજરાતીઓ અને રાજસ્થાનીઓનું મુંબઈના વિકાસમાં યોગદાન વિશે વાત કરી હતી. આ પરથી શિવસેના, મનસે, કોંગ્રેસ, રાષ્ટ્રવાદીએ જોરદાર ટીકા કરી હતી, જ્યારે ભાજપે પણ અસંમતિ દર્શાવી હતી.આ મુદ્દાને લઈને ભારે હોબાળો મચી ગયો હતો.

આ વિશે સોમવારે રાજ્યપાલે જણાવ્યું કે તારીખ 29 જુલાઈના રોજ અંધેરી ખાતે એક જાહેર કાર્યક્રમમાં મુંબઈના વિકાસમાં દેશના અમુક સમાજના યોગદાનના વખાણ કરતી વખતે મારા દ્વારા કદાચ અમુક ભૂલ થઈ ગઈ હતી. મહારાષ્ટ્રમાં જ નહીં પણ આખા દેશના વિકાસમાં બધાનું જ ઉલ્લેખનીય યોગદાન છે. ખાસ કરીને સંબંધિત રાજ્યની સર્વસમાવેશકતા અને સૌને જોડે લઈને આગળ વધવાની આપણી ઉજ્જવળ પરંપરાને લીધે જ આજે આપણો દેશ પ્રગતિને પંથે અગ્રેસર જઈ રહ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષમાં મને રાજ્યની જનતાએ અપાર પ્રેમ કર્યો છે. મારા વતી મેં મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાનું ગૌરવ વધારવાનો પ્રયાસ કર્યો. જોકે તે દિવસે ભાષણમાં મારા દ્વારા અમુક ભૂલો થઈ હશે તો તે ભૂલનું આ મહાન મહારાષ્ટ્ર રાજ્યનું અવમાન સમજવામાં આવશે એવી કલ્પના પણ હું કરી શકતો નથી. મહારાષ્ટ્રના મહાન સંતોની શીખને અનુસરીને રાજ્યની જનતા આ વિનમ્ર રાજ્યસેવકને ક્ષમા કરીને પોતાના વિશાળ અંતઃકરણથી મફ કરશે એવો વિશ્વાસ છે, એમ રાજ્યપાલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...