પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યા પછી સલમાન ખાન અને તેના પિતાને જાનથી ખતમ કરવાની ધમકી આપવા પાછળ બિશ્નોઈ ગેન્ગ છે અને બોલીવૂડમાં પોતાની ધાક જમાવવા માટે ખાન પિતા- પુત્રને ધમકીપત્ર આપ્યો હતો એવું તપાસમાં બહાર આવ્યું છે. આથી બોલીવૂડ પર ફરીથી ખંડણીબાજોનો પડછાયો પડશે કે કેમ એવો પ્રશ્ન ઊભો થયો છે.સલીમ ખાન થોડા દિવસ પૂર્વે બાંદરા બેન્ડ સ્ટેન્ડ ખાતે મોર્નિંગ વોક પર ગયા ત્યારે તેમને એક ધમકીપત્ર આપવામાં આવ્યો હતો. તેમાં આપકા ભી જલ્દ મૂસેવાલા હોગા એમ સલીમ ખાન અને સલમાનને ઉદ્દેશીને લખ્યું હતું.
આ પછી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. સલીમ- સલમાન, તેમના બોડીગાર્ડ સહિત 40 જણની પૂછપરછ કરવામાં આવી છે. એક ટીમે દિલ્હીમાં જઈને ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પણ પૂછપરછ કરી હતી. એક ટીમે પુણેમાં જઈને સૌરભ મહાકાળની પૂછપરછ કરી હતી. મહાકાળે ખાનને ધમકીપત્ર મોકલ્યો હોવાની કબૂલાત કરી છે.બિશ્નોઈ ગેન્ગના વિદેશના ગુંડાઓના ઈશારે મહાકાળે ત્રણ વ્યક્તિને મોકલીને આ કામ કર્યું હોવાનું જણાયું છે. ધમકીપત્ર આપીને ખાન પિતા- પુત્રને ફક્ત ધમકાવવાનો ઈરાદો હતો, જેથી બોલીવૂડમાં ખંડણી માટે ધાક જમાવી શકાય, એવી કબૂલાત મહાકાળે કરી છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
લોરેન્સ બિશ્નોઈ કોણ છે
લોરેન્સ બિશ્નોઈ મૂળ રાજસ્થાનનો છે. તેની વિરુદ્ધ હત્યા, ખંડણી સહિત અનેક ગંભીર ગુના નોંધાયેલા છે. હાલમાં તે દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. 2018માં કોર્ટની બહાર કહ્યું હતું કે કાળિયારનો શિકાર કરવા માટે પોતે સલમાન ખાનની હત્યા કરશે. મૂસેવાલાની હત્યા પણ તેના ઈશારે થઈ હોવાનું કહેવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.