સમારકામ:રણમાં વોચ ટાવર પર ‘વોચ’ રાખજો, મસમોટા અને ઉંચા લોખંડના ટાવરમાં કાટ લાગી જતા દુર્ઘટનાની દહેશત

ખાવડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેબ્રુઆરીમાં યોજાનારી જી-20 સમીટને લઈને વોચટાવરમાં સમારકામ શરૂ કરી દેવાયું

કચ્છના પ્રવાસનને પ્રોત્સાહન મળે એ માટે ધોરડો ખાતે સેલ્ફી વોચ ટાવર બનાવવામાં આવ્યો છે જે હાલમાં પ્રવાસીઓ માટે બંધ છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં આ સ્થળે જી-20 ની આંતરરાષ્ટ્રીય સમીટ યોજાવાની છે. જેના ભાગરૂપે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.સૂત્રોએ જણાવ્યું કે, મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બની એ બાદ સરકાર દ્વારા પ્રવાસન સ્થળોએ વધુ ચિવટતા દાખવવામાં આવી રહી છે. ધોરડો ખાતે લાખો સહેલાણીઓ આવતા હોય છે તેમજ આંતરરાષ્ટ્રીય સમીટમાં હાજરી આપવા માટે વિદેશી પ્રતિનિધિઓ આવશે. જેથી ટાવર પર મરામતકામ શરૂ કરવામાં આવ્યું છે.

જોકે, ટાવરની આસપાસ કરવામાં આવેલા ફ્લોરિંગનું કામ ભ્રષ્ટાચાર તરફ અંગુલીનિર્દેશ કરે છે. વિદેશથી આવતા મહેમાનોને સારું ચિત્ર બતાડવા માટે લાઇટિંગ કરવાના બહાના હેઠળ આખા ટાવરની આજુબાજુ ખોદકામ કરી નવું કામ શરૂ કરવામાં આવ્યું છે. હાલે આ ટાવરને એક સાઈડથી ઢાંકી દેવામાં આવ્યો છે.

તંત્ર કહે છે કે, એલઈડી લાઈટના પ્રદર્શન માટે આ કામ કરવામાં આવ્યું છે. જોકે સ્થાનિકે વાસ્તવિકતા એ છે કે, ટાવરના પગથિયા તેમજ મુખ્ય સ્તંભોમાં કાટ લાગવાનું શરૂ થયું છે. જેથી વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સમીટમાં લાઇટિંગની સાથે ટાવરમાં કલરકામની સાથે મરામત અને નવા ફ્લોરિંગની કામગીરી આરંભી દેવાઈ છે. હાલે સફેદ રણમાં વરસાદના કારણે પાણી ભરાયેલા હોઇ અનેક પ્રવાસીઓને રણનો ફેરો માથે પડી રહ્યો છે.

ભુજથી ધર્મશાળાનો નેશનલ હાઇવે બિસમાર
ભુજથી ધર્મશાળાને જોડતો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં થઈ જતા પ્રવાસીઓ કચ્છના રોડ રસ્તા સારા છે એવી છાપ લઈને જતા હતા તેઓ અત્યારે રોડ જોઈને કચ્છ ના જવાય એવું પણ કહી રહ્યા છે. આ રસ્તાની હાલત સુધારવામાં આવે તેવી માગણી પણ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...