પ્રતિષ્ઠાના જંગ સમાન પુણેના કસબાની પેટાચૂંટણીમાં અમિત શાહ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પ્રચારમાં ઊતરવા છતાં ભાજપને કોંગ્રેસે જોરદાર પછડાટ આપી છે. 28 વર્ષ પછી ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. આને કારણે મહાવિકાસ આઘાડીમાં નવો જોશ આવી ગયો છે. વિધાનસભ્ય મુક્તા ટિળકના નિધનને લઈ કસબામાં પેટાચૂંટણી આવી પડી હતી. ભાજપે સડસડાટ ચાર વખત આ બેઠક જીતી હતી.ભાજપના હેમંત રાસનેને મહાવિકાસ આઘાડીના ઉમેદવાર રવીંદ્ર ધંગેકરે પછડાટ આપી છે. પરિણામ જાહેર થતાં જ કસબાના ચોપડા શહેરમાં કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
મતવિસ્તારમાં ભાજપ અને શિંદે જૂથે મોટે પાયે પૈસાનો વરસાદ કર્યો. જોકે જનતાએ ધનશક્તિ વિરુદ્ધ જઈને મતોનો વરસાદ મારી પર વરસાવ્યો, એમ ધંગેકરે જણાવ્યું હતું. રાસનેને 62,244 મત મળ્યા હતા, જ્યારે ધંગેકરને 73,194 મત મળ્યા હતા. ગત વખતે રાસને મનસેમાં હતા ત્યારે તેમની હાર થઈ હતી, પરંતુ નોંધપાત્ર મત મેળવ્યા હતા. આ વખતે તેમણે જીત નિશ્ચિત કરી હતી.
રાસનેએ હાર માટે જવાબદારી સ્વીકારી હતી.આ જીત પછી કોંગ્રેસના નાના પટોલે, બાળાસાહેબ પટોલે, અશોક ચવ્હાણે ભાજપ પર ટીકાઓનો વરસાદ કર્યો હતો. આ મતવિસ્તારમાં બિગ બોસ ફેમ અભિજિત બિચુકલે પણ ઊતર્યો હતો, જેને ફક્ત ચાર મત મળ્યા હતા, જ્યારે નંદ દવેને 12 મત મળ્યા હતા. ખાસ વાત એ છે કે નોટાને 86 મત મળ્યા હતા.
ચિંચવડમાં ભાજપની જીત
બીજી બાજુ ચિંચવડની પેટાચૂંટણીમાં ભાજપનાં અશ્વિની જગતાપે રાષ્ટ્રવાદીના નાના કાટેને પછડાટ આપી હતી. જગતાપને 1 લાખથી વધુ મત મળ્યા હતા. બળવાખોર રાહુલ કલાટેને પણ આ મતવિસ્તારમાંથી નોંધપાત્ર મતો મળ્યા હતા. જોકે ધંગેકરની જીત જ ચર્ચામાં રહી હતી. મહાવિકાસ આઘાડીના બધા નેતાઓ ભાજપની હાર થવાથી ગેલમાં આવી ગયા હતા અને જોરદાર ટીકાઓ કરી હતી. દરમિયાન આ વિશે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે જગતાપની ઓછા મતથી જીત થઈ છે. તેમની સામે નાના કાટે અને રાહુલ કલાટેને જેટલા મત મળ્યા છે તેનો સરવાળો કરવામાં આવે તો ભાજપની હાર જ થઈ છે એવું કહેવું પડશે. ભાજપના વિરોધીઓની સંખ્યા વધી રહી છે તે આ પરથી સિદ્ધ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.