સાંતાક્રુઝ પશ્ચિમમાં દત્તાત્રય રોડ પર ગણેશકૃપા બિલ્ડિંગના બીજા માળે રહેતા કપડાના વેપારી કમલકાંત કપૂરચંદ શાહ (46) અને તેની માતા સરલાદેવી (65)ના મૃત્યુકેસમાં આરોપી પત્ની કવિતા ઉર્ફે કાજલ (46) અને તેના પ્રેમી હિતેશ શાંતિલાલ જૈન (45) દ્વારા થેલિયમ નામે ઝેરી પ્રયોગ પંજાબથી લાવ્યાં હતાં એવું કબૂલ કર્યું છે.
બંનેને સોમવારે કસ્ટડી પૂરી થતાં ફરીથી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સામે હાજર કરાયાં હતાં, જ્યાં તેમને વધુ બે દિવસ કસ્ટડી આપવામાં આવી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું કે આરોપીઓએ કમલકાંત અને તેની માતા સરલાદેવી પર વિષપ્રયોગ કરવા માટે થેલિયમ ધાતુ પંજાબથી મેળવ્યો હતો, પરંતુ હજુ પણ તે વિશે મોઘમ માહિતી આપી રહ્યાં છે.
આથી તેમની વધુ પૂછપરછ કરવાની બાકી છે.બંને પાસેથી બે મોબાઈલ ફોન અને આર્સેનિક પાઉડર હસ્તગત કરવામાં આવ્યાં છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓના મોબાઈલ ફોનમાંથી ડેટાનું વિશ્લેષણ કરતાં બંનેએ મળીને આ કાવતરું ઘડ્યું હતું એવા પુરાવા મળ્યા છે. જોકે તેમના ફોનમાંથી ડેટામાં 9,66,006 કન્ટેન્ટમાંથી ફક્ત 45 ટકાનું જ હજુ સુધી વિશ્લેષણ કરાયું છે, જ્યારે બાકી કામ ચાલુ છે.
કાજલે વિષપ્રયોગ કર્યા પછી બાકી ઝેરી ધાતુનો ક્યાં નિકાલ કર્યો તે નિશ્ચિત જગ્યા બતાવતી નથી. તે સતત દિશાભૂલ કરી રહી છે, એમ પોલીસે કોર્ટને જણાવ્યું હતું. આરોપી હિતેશ જૈને તેનો જૂનો ફોન પુરાવા નષ્ટ કરવાના હેતુથી તેમાંનું સિમકાર્ડ તોડી નાખ્યું અને સેમસંગ એસ 20 હેન્ડસેટ તોડીફોડીને મુંબઈ- નાશિક હાઈવે પર ક્યાંક ફેંકી દીધું છે, પરંતુ તે નિશ્ચિત જગ્યા બતાવતો નથી, એમ પણ પોલીસે કોર્ટને જણાવ્યું હતું.
આરોપીઓ માહિતી આપતા નથી
આરોપીઓએ ઝેરી ધાતુના વપરાશ બાબતે ગૂગલ પર સર્ચ કર્યું હતું એવું જણાવ્યું છે. આ અંગે તપાસ કરવા આરોપીઓના જીમેઈલ અકાઉઇન્ટની યુઝર આઈડી અને તેનો પાસવર્ડ આવશ્યક છે, પરંતુ બંને તે બતાવતા નથી, એમ પણ પોલીસે કોર્ટને જણાવીને આ અંગે વધુ માહિતી કઢાવવા માટે કસ્ટડીની માગણી કરી હતી. કોર્ટે બે દિવસની કસ્ટડી આપી છે.
નોંધનીય છે કે કોલ્હાપુર સ્થિત ઈચલકરંજીમાં શ્રીપાદ નગર ખાતે શ્રીપાદ નગરમાં શ્રીનિકેત એપાર્ટમેન્ટમાં રહેતા કમલકાંતનાં બહેન કવિતા અરુણકુમાર લલવાણીની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચની બાંદરા શાખાએ કાજલ અને હિતેશની 1 ડિસેમ્બરે ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.