ચોરની મોતની છલાંગ:મરીન ડ્રાઈવમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતાં ચોથા માળથી જમ્પ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ- અગ્નિશમનનો બચાવવાનો પ્રયાસ છતાં ચોરની મોતની છલાંગ

મરીન ડ્રાઈવમાં ડી રોડ પર ગઈકાલે સવારે એક ચોરટો સવારે 5.00 વાગ્યે ડ્રેનેજ પાઈપલાઈનથી ચોથા માળ પર ચઢી ગયો હતો, પરંતુ તેને જોતાં જ સોસાયટીના રહેવાસીઓ ભેગા થયા હતા, જેને લઈ ચોરટો ચોથા માળે ત્રણ ફૂટ પહોળા કઠેડા પર બેસી ગયો હતો. આ પછી પોલીસ અને અગ્નિશમન દળે તેને બચાવવા માટે બે કલાક સુધી જહેમત ઉઠાવી, પરંતુ આખરે ચોરટો સુરક્ષા જાળી પર કૂદવાને બદલે બાજુની ઈમારત તરફ કૂદ્યો અને જીવ ગુમાવી બેઠો.મરીન ડ્રાઈવ પર વાનખેડે સ્ટેડિયમ નજીક ડી રોડ પર આ ઘટના ગઈકાલે વહેલી સવારી બની હતી.

ચોરટો ડ્રેનેજ પાઈપલાઈનથી ચોથા માળે ચઢી ગયો. ચોરી કરીને તે ફરી પાઈપલાઈન પરથી ઊતરવા જતો હતો ત્યારે વોચમેને તેને જોઈ લીધો હતો. આથી તેણે રહેવાસીઓને જાણ કરી હતી. ચોરટો ગભરાઈને ચોથા માળ પર બારીની નીચેના ભાગમાં ત્રણ ફૂટ પહોળા કઠેડા પર બેસી ગયો હતો.આ પછી પોલીસને બોલાવવામાં આવી. પોલીસને ત્યાં પહોંચવાનું મુશ્કેલ હોવાથી અગ્નિશમન દળને જાણ કરાઈ હતી. પોલીસ અને અગ્નિશમન દળના જવાનોએ ચોરટાને સુરક્ષિત રીતે બહાર નીકળવાની સલાહ આપી, પરંતુ તે સાંભળતો નહોતો.

આથી અગ્નિશમન દળે નીચે જાળી ફેલાવી હતી, જેથી તે પડી જાય તો પણ તેને બચાવી શકાય. અઢી કલાક સુધી આ ડ્રામા ચાલતો રહ્યો હતો, એમ નરીમાન પોઈન્ટ અગ્નિશમન કેન્દ્રના અધિકારી શંકર પોળે જણાવ્યું હતું.

વારંવાર વિનંતી કરવા છતાં ચોરટાએ જાળી પર કૂદવાને બદલે બાજુની વિશ્વ મહલ ઈમારતની દિશામાં ભૂસકો માર્યો હતો. 25 ફૂટ ઊંચાઈ પરથી નીચે પડતાં દેખીતી રીતે જ તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને જેજે હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં બપોરે 12.30 વાગ્યે તેનું મોત થયું હતું. હોસ્પિટલમાં લઈ જતી વખતે તેણે પોતાનું નામ રોહિત હોવાનું જણાવ્યું હતું. તેની ઉંમર 26 વર્ષની હતી. તે હિંદી અને બંગાળી ભાષામાં બોલતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...