મુંબઈ સેંટ્રલ અને બાન્દરા ટર્મિનસ પરનો ભાર ઓછો કરવા લાંબા અંતરની ટ્રેન માટે જોગેશ્વરીમાં ટર્મિનસ બાંધવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવેમાં આ ત્રીજા ટર્મિનસને બાંધવાના કામ માટે આઠ મહિના કરતા વધુ રાહ જોવી પડશે એવી માહિતી આપવામાં આવી હતી. અત્યારે આ ટર્મિનસની ડીઝાઈન તૈયાર કરવાનું કામ ચાલુ છે. મુંબઈ ઉપનગરીય રેલવે માર્ગ પરની લાંબા અંતરની ટ્રેનનો વધતો ભાર જોતા વધુ કેટલાક ટર્મિનસનો ઉમેરો થશે. મધ્ય રેલવેમાં પણ પનવેલમાં ટર્મિનસ બાંધવાનું કામ ઝડપભેર ચાલુ છે. આ પહેલાં સીએસએમટી, દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતેથી અને પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેંટ્રલ, બાન્દરા ટર્મિનસ ખાતેથી મેલ-એક્સપ્રેસ ટ્રેન છૂટે છે.
એ અનુસાર જોગેશ્વરીમાં ટર્મિનસના પ્રસ્તાવને 2019માં અને એ પછી ફરીથી 2021માં રેલવે બોર્ડ તરફથી મંજૂરી મળી હતી. જો કે કોરોના અને બીજી કેટલીક ટેકનિકલ અડચણના કારણે પ્રકલ્પનું કામ વધ્યું નહીં. હવે આ પ્રકલ્પને ઝડપી બનાવવામાં આવી રહ્યું છે છતાં પ્રકલ્પ પૂરો થવા માટે રાહ જોવી પડશે. આ પ્રકલ્પ માટે ડીઝાઈન તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ હોવાની માહિતી પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે આપી હતી.
આ કામ પૂરું થતાં જ રેલવે પાટા, પ્લેટફોર્મ વગેરેના કામ અને પ્રકલ્પ અમલમાં મૂકવા સલાહકારની નિયુક્તી કરવામાં આવશે. સલાહકારના અહેવાલ બાદ વાસ્તવિકતામાં અમલબજાવણી માટે ટેંડર કાઢવામાં આવશે અને એ પછી જ આ ટર્મિનસનું કામ શરૂ થવા વધુ 8 મહિના લાગશે એમ ઠાકુરે જણાવ્યું હતું. આ પ્રકલ્પ માટે 68 કરોડ 99 લાખ રૂપિયા ખર્ચ થશે.
12 મેલ-એક્સપ્રેસ ટ્રેન છોડવાનો વિચાર
જોગેશ્વરી ટર્મિનસથી મેલ-એક્સપ્રેસ ટ્રેન છૂટશે અને કેટલીક ટ્રેન માટે આ ટર્મિનસ છેલ્લું સ્ટોપેજ હશે. એ જ સાથે લોકલ ટ્રેન માટે પણ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરવાનો વિચાર છે. એના માટે ત્રણ લેન અને બે પ્લેટફોર્મ બાંધવાનું નિયોજન છે. 12 મેલ-એક્સપ્રેસ ટ્રેન છોડવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જોગેશ્વરી ખાતે યાર્ડ છે અને આ ભાગમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું રિપેરીંગ અને મેઈનટેનન્સ માટે કોચિંગ સેંટર તૈયાર કરવાનું પ્રસ્તાવિત છે. તેથી ભવિષ્યમાં જોગેશ્વરી ટર્મિનસ મેલ-એક્સપ્રેસ ટ્રેનનું હબ બનશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.