ભાસ્કર વિશેષ:CSMTમાં પણ જાપાની સ્ટાઈલની પોડ હોટેલ, લાંબા અંતરના પ્રવાસીઓને 500 રૂપિયામાં 12 કલાક રહેવાની સુવિધા મળશે

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સીએસએમટી સ્ટેશનથી લાંબા અંતરની ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓએ થોડા કલાક માટે થોભવું હશે તો હવે બીજા કોઈ ઠેકાણે હોટેલ શોધવાની માથાકૂટ કરવાની જરૂર નથી. પશ્ચિમ રેલવેના મુંબઈ સેંટ્રલ સ્ટેશન પછી હવે મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં આલીશાન પોડ હોટેલ ઊભી કરવાનું કામ અંતિમ તબક્કામાં છે. આ પોડ હોટેલ જૂન મહિનાના મધ્ય સુધી શરૂ કરવામાં આવશે એવી માહિતી મધ્ય રેલવે તરફથી જણાવવામાં આવી હતી. આ પોડ હોટેલમાં 12 કલાક માટે ફક્ત 500 રૂપિયા લેવામાં આવશે.

પ્રવાસીની ટ્રેન છૂટી જાય તો અથવા મુંબઈમાં થોડા કલાક માટે રોકાવું હોય તો આવા પ્રવાસીઓ માટે પોડ હોટેલની સુવિધા રાહતદાયક બનશે. પોડના કોમન એરિયામાં મફત વાયફાય, લગેજ રૂમ, પ્રસાધનગૃહ, શાવર રૂમ, વોશરૂમ હશે. પોડની અંદર વ્યક્તિગત વપરાશ માટે ટીવી, નાનું લોકર, અરીસો, એરકન્ડિશન અને એર ફિલ્ટર વેન્ટ્સ, વાંચવા માટે લાઈટ જેવી સુવિધાઓ હશે. મેસર્સ નમ્મા એન્ટરપ્રાઈઝેસ કંપની પાસેથી 10 લાખ 7 હજાર 786 રૂપિયા લાયસંસ ફી લઈને પાંચ વર્ષ માટે કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. એમાં મધ્ય રેલવેને 55 લાખ 68 રૂપિયા મહેસૂલ મળશે.

સીએસએમટીમાં લાંબા અંતરની ટ્રેન છૂટે છે ત્યાં 131.61 સ્કવેર મીટર જગ્યામાં આ પોડ હોટેલ ઊભી કરવામાં આવી છે જે જૂન મહિનામાં શરૂ થશે. ત્યાં લગભગ 50 પોડ્સ ઊભા કરવામાં આવશે. વારંવાર પ્રવાસ કરતા પ્રવાસીઓ, સિંગલ ટ્રાવેલર્સ, કોર્પોરેટ એક્ઝિક્યુટીવ અને સ્ટડી ગ્રુપ માટે આ સુવિધા ઘણી ઉપયોગી થશે.

મુંબઈ સેંટ્રલમાં ગયા વર્ષે સુવિધા શરૂ થયેલી
ભારતીય રેલવેએ ગયા વર્ષે મુંબઈ સેંટ્રલ સ્ટેશનમાં પહેલી પોડ હોટેલ શરૂ કરી હતી. આધુનિક સુવિધાઓથી સજ્જ કેપ્સ્યૂલ રૂમની આ હોટેલમાં પ્રવાસીઓ 12 થી 24 કલાક રહી શકે છે. ત્યાં રહેવા માટે ભાડું 999 રૂપિયાથી 1999 રૂપિયા છે. મુંબઈ સેંટઆલ સ્ટેશનના પહેલા માળે આવેલી આ પોડ હોટેલમાં કુલ 48 રૂમ છે. પોડ રૂમની લંબાઈ 7 ફૂટ, ઉંચાઈ અને પહોળાઈ 4 ફૂટ છે. એમાં હોટેલ જેવા આરામદાયક પલંગ છે.

અન્ય સમાચારો પણ છે...