ધમકી:સલમાનને લોરેન્સે જ ધમકીપત્ર મોકલ્યો હતો : સૌરભ મહાકાળ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધમકીપત્ર ગોલ્ડી બરાડે સલીમ ખાનને પકડાવ્યો હતો

અભિનેતા સલમાન ખાનને ધમકીપત્રને મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. પોલીસની એક ટીમ લોરેન્સ બિશ્નોઈના નિકટવર્તી સૌરભ મહાકાળની પૂછપરછ કરવા માટે પુણે પહોંચી હતી. તેણે જણાવ્યું કે સલમાનને ધમકીપત્ર ગેન્ગસ્ટર લોરેન્સ તરફથી મોકલવામાં આવ્યો હતો. આ બાબતનો ખુલાસો થયા પછી પોલીસની 6 ટીમ દેશના અલગ અલગ ભાગોમાં ગઈ છે.

મુંબઈ પોલીસ અનુસાર જેલમાં બંધ ગેન્ગસ્ટર લોરેન્સે સલમાન અને તેના પિતા સલીમ ખાનને ધમકીપત્ર લખ્યો હતો. લોરેન્સની ગેન્ગના ત્રણ ગુંડા રાજસ્થાનના જાલોરથી મુંબઈ ધમકીપત્ર છોડવા માટે આવ્યા હતા. ધમકીપત્ર છોડ્યા પછી ત્રણેય પુણેના સૌરભ મહાકાળને મળ્યા હતા.સૌરભે એ પણ કબૂલ કર્યું છે કે વિક્રમજિત ઉર્ફે ગોલ્ડી બરાડ થકી સલીમ ખાનને ધમકીપત્ર પહોંચાડવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે ધમકીપત્ર ફેંકનારની ઓળખ થઈ ગઈ છે. તેમની સાથે સંકળાયેલા અમુકના સુરાગ મળ્યા છે. ટૂંક સમયમાં જ તેમની ધરપકડ કરાશે.વિક્રમજિત રાજસ્થાનના હનુમાનગઢનો છે. રાજસ્થાનના કુખ્યાત ગેન્ગસ્ટર આનંદપાલ સિંહનો તે નિકટવર્તી હતો. જોકે સિંહનું એન્કાઉન્ટર થતાં તે લોરેન્સ ગેન્ગ સાથે જોડાઈ ગયો હતો. હવે લોરેન્સનો નિકટવર્તી છે. તેને માથે બે ડઝન ગુના નોંધાયેલા છે.

વર્ષ2018માં કોર્ટની બહાર લોરેન્સે જણાવ્યું હતું કે તે જોધપુરમાં સલમાનને મારી નાખશે. હજુ તો મેં કશું કર્યું નથી, પરંતુ સલમાનને મારીશ ત્યારે ખબર પડશે. હાલમાં મને ફાલતૂમાં ઘસડવામાં આવી રહ્યો છે.નોંધનીય છે કે સલમાને કાળિયાર (કાળા હરણ)નો શિકાર કરતાં લોરેન્સે તેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બિશ્નોઈ સમાજ કાળિયારને પવિત્ર માને છે. આથી તેનો શિકાર સલમાને કરતાં તેને જાનથી ખતમ કરવાની ધમકી આપી હતી.

દરમિયાન સલમાન પોતાની આગામી ફિલ્મ કભી ઈદ કભી દિવાલીના શૂટિંગ માટે હૈદરાબાદ ગયો છે. 25 દિવસનું તેનું શિડ્યુલ છે. તેના પૂર્વે જ તેના બોડીગાર્ડ શેરા અને ટીમ હૈદરાબાદ પહોંચી હતી. ફિલ્મના સેટ પર પણ પોલીસને એક ટીમ તહેનાત રખાઈ છે.

અન્ય સમાચારો પણ છે...