મહાપાલિકા એલર્ટ મોડ પર:મંકીપોક્સ માટે કસ્તુરબા હોસ્પિટલમાં આઈસોલેશન બેડ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીમાં લક્ષણો દેખાશે તો ટેસ્ટ માટે નમૂના એનઆઈવી પાસે મોકલાશે

વિશ્વના 80 દેશમાં હાહાકાર ફેલાવનાર મંકીપોક્સ રોગના દર્દી અત્યારે મુંબઈમાં નથી છતાં મહાપાલિકા એલર્ટ મોડ પર છે. એના માટે મહાપાલિકાની ચિંચપોકલી ખાતેની કસ્તુરબા હોસ્પિટલમાં આઈસોલેશન બેડ તૈનાત રાખવામાં આવ્યા છે. લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દી મળશે તો નેશનલ વાયરોલોજી ઓફ પુણે ખાતે ટેસ્ટ માટે નમૂના મોકલવામાં આવશે એમ અતિરિક્ત આયુક્ત ડો. સંજીવ કુમારે જણાવ્યું હતું.

મુંબઈ, મહારાષ્ટ્ર સહિત સંપૂર્ણ દેશ અને વિશ્વ તાજેતરમાં જ કોરોનાના સંકટમાંથી બહાર આવ્યા છે ત્યારે હવે ભારત સહિત 80 દેશમાં મંકીપોક્સના દર્દી મળી રહ્યા છે. અનેક દેશમાંથી ભારત આવનારાઓની સંખ્યા મોટી હોવાથી મહાપાલિકાએ સતર્કતા રાખવાની શરૂઆત કરી છે. મહાપાલિકાની સ્પેશિયલ હોસ્પિટલ એટલે કે કસ્તુરબા હોસ્પિટલમાં અત્યારે 800 બેડ તૈનાત છે.

જો કે હાલની સ્થિતિમાં દર્દી કે લક્ષણવાળા શંકાસ્પદ દર્દી મળ્યા નથી એમ મહાપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. મહાપાલિકાની કેઈએમ, નાયર, સાયન અને કૂપર હોસ્પિટલ સહિત ઉપનગરની 16 હોસ્પિટલ તથા તમામ દવાખાનામાં તેમની પાસે સારવાર માટે આવતા દર્દીઓમાં લક્ષણો દેખાય તો તાત્કાલીક જણાવવાનો નિર્દેશ આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવ્યો છે.

મંકીપોક્સ રોગમાં શરીર પર ફોડલા થવા, ચહેરો, હાથ, પીઠ, પેટ પર લાલ ચાંઠાં થવા, તાવ, થાક, માથાનો દુખાવો, હાડકા દુખવા, જેવા લક્ષણો દેખાય છે. આવા લક્ષણ જોવા મળે તો મહાપાલિકાનો સંપર્ક સાધવો એવી હાકલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...