સૂચના:મુંબઈમાં પાર્કિંગ માટે સરકારનું કોઈ ધોરણ છે કે નહી? હાઈકોર્ટ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • સરકાર અને મહાપાલિકાને સાથે મળીને ધોરણ તૈયાર કરવાની સૂચના

મુંબઈમાં દિવસે દિવસે વાહનોની સંખ્યા વધી રહી છે. તેથી વાહનોના પાર્કિંગ માટે કોઈ ચોક્કસ ધોરણ છે કે? હોય તો એ શું છે? સાંકડા રસ્તાઓ પર ચાલતા વાહનો માટે શું ઉપાયયોજના કરી છે? એવા સવાલ ઉપસ્થિત કરીને આ બાબતે ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ હાઈ કોર્ટે રાજ્ય સરકારને આપ્યો હતો.

દિવસે દિવસે વધતા વાહનોની સંખ્યાના લીધે મુંબઈમાં વાહન ક્યાં ઊભા કરવા એવો સવાલ કરતા પાર્કિંગ લોટ માટે અને ખાસ કરીને સાંકડા રસ્તાઓ પર વાહનોની જગ્યા નિશ્ચિત કરવાની જરૂર હોવાનો મત મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ અભય આહુજાની ખંડપીઠે વ્યક્ત કર્યો હતો.

મુંબઈમાં સાંકડા રસ્તાઓની યાદી તૈયાર કરીને ત્યાં વાહન ઊભા કરવા માટે જગ્યા કેવી રીતે ઉપલબ્ધ કરી શકાય એ જોવું જરૂરી છે. એના માટે સરકાર અને મહાપાલિકાએ સાથે મળીને ધોરણ તૈયાર કરવાની સૂચના કોર્ટે કરી હતી. મુંબઈમાં વાહનોની સંખ્યા ઘણી વધારે છે.

પણ એ ઊભા કરવા માટે નિશ્ચિત કરેલી જગ્યા ન હોવાથી આ વાહનો ઊભા ક્યાં કરવા એવો પ્રશ્ન સામાન્ય નાગરિકોને સતાવે છે. દરેક જણને ડ્રાઈવર રાખવો પરવડતું નથી એમ પણ કોર્ટે પ્રશાસનને સંભળાવ્યું હતું. તેથી મુંબઈમાં વાહનોના પાર્કિંગની નિશ્ચિત કરેલી જગ્યા અને પ્રસ્તાવિત ઉપાયયોજના ચાર અઠવાડિયામાં રજૂ કરવાનો આદેશ રાજ્ય સરકારને આપતા સુનાવણી મોકૂફ રાખી હતી.

તિલકનગર ખાતે ઉદ્યાન ગણેશ રોડ ખાતે ફક્ત 20 ફૂટનો રસ્તો છે અને આ રસ્તા પર વાહનો આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે. ડિસેમ્બર 2018માં અહીંની એક ઈમારતમાં આગ લાગી હતી. જો કે અગ્નિશમન દળના વાહન ઘટનાસ્થળે પહોંચી ન શકવાથી આગમાં દાઝીને 5 જણના મૃત્યુ થયા હતા.

આવી ઘટના ફરીથી ન થાય એ માટે રાજ્ય સરકારે પાર્કિંગનું ધોરણ નિશ્ચિત કરવું અને એની અમલબજાવણી કરવી એવી માગણી કરતા તિલકનગર નાગરિક ઉત્કર્ષ મંડળે એડવોકેટ સવિના ક્રાસ્ટો મારફત મુંબઈ હાઈ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી છે. આ અરજી પર મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ અભય આહુજાની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...