તપાસ:મહાપાલિકામાં 12 હજાર કરોડના ગોટાળા અંગે કેગ દ્વારા તપાસ શરૂ

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ

મુંબઈ મહાપાલિકામાં રૂ. 12 કરોડ કરોડના ગોટાળાની તપાસ કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (કેગ) દ્વારા શરૂ કરવામાં આવી છે. મંગળવારે કેગના દસ અધિકારીઓ મુંબઈ મહાપાલિકાના તળ મુંબઈના મુખ્યાલયમાં પહોંચ્યા હતા. વિવિધ વિભાગના વ્યવહારોના દસ્તાવેજોની તેમણે માગણી કરી હતી.

મુંબઈ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે શિવસેનાના ઠાકરે જૂથને આંચકો આપવા માટે રાજ્ય સરકારે કોરોનાકાળમાં કરવામાં આવેલા વ્યવહારોની કેગ દ્વારા તપાસ કરવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

કોરોનાકાળમાં થયેલાં કામોની વહેંચણીનું કેગ નામે સ્વાયત્ત સંસ્થાના માધ્યમથી તપાસ કરવાનો આદેશ રાજ્ય સરકારને આપવામાં આવ્યો હતો. કોરોનાકાળમાં લોકોની અસુવિધા નહીં થાય તે માટે ટેન્ડર પ્રક્રિયાનો અમલ નહીં કરતાં જ કોન્ટ્રાક્ટ અપાયા હતા અને વસ્તુઓની ખરીદી કરવામાં આવી હતી. મહાપાલિકાના લગભગ દસ વિભાગમાંથી થયેલા વ્યવહારો કેગના રડાર પર છે.

મંગળવારે સવારે 11 વાગ્યાના સુમારે કેગની ટીમ મહાપાલિકા મુખ્યાલયમાં પહોંચી હતી. આ દરમિયાન કેગના અધિકારીઓએ મહાપાલિકાના કમિશનર ડો. ઈકબાલસિંહ ચહલ સાથે બેઠક લીધી હતી. મહાપાલિકાના અમુક અધિકારીઓ પણ હાજર હતા. આ બેઠક પછી કેગની ટીમે અકાઉન્ટ્સ વિભાગમાં જઈને વ્યવહારોની માહિતી લીધી હતી. તે વ્યવહારોના અમુક દસ્તાવેજો કબજામાં લીધા હોવાની માહિતી છે.

28 નવેમ્બર, 2020થી 28 ફેબ્રુઆરી, 2022 દરમિયાનના થયેલા વ્યવહારોની તપાસ કેગ દ્વારા કરવામાં આવશે. આ દરમિયાનના વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ ભાજપ દ્વારા સતત કરવામાં આવતો હતો, આખરે વિધાનમંડળના ગત સત્રમાં ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહાપાલિકાની વ્યવહારોની તપાસ કેગ મારફત કરાવવાની ઘોષણા કરી હતી.

કેગ મારફત થઈ રહેલી આ તપાસ તત્કાલીન ઠાકરે સરકારને મુશ્કેલીમાં લાવવા માટે છે અને મહાપાલિકાની ચૂંટણી પૂર્વે ઠાકરે સેનાને મુશ્કેલીમાં લાવવા માટે છે એવી રાજકીય વર્તળોમાં હવે જોરદાર ચર્ચા શરૂ થઈ છે. દરમિયાન મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ તમામ આરોપ નકારી કાઢીને કહ્યું છે કે કેગ મારફત તપાસ રાજકીય વેરવૃત્તિથી કરવામાં આવવાની નથી. આ નિષ્પક્ષપાતી અને પારદર્શક રીતે તપાસ કરાશે.

રસ્તાઓની દુરસ્તી પણ રડાર પર
દરમિયાન શહેરના 56 રસ્તાઓની દુરસ્તી પણ રડાર પર છે. તેની પર રૂ. 2286.24 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. છ ગંદા પાણીના નિકાલના પ્રકલ્પો પર રૂ. 1084.61 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઘનકચરા વ્યવસ્થાપન પ્રકલ્પ પર રૂ. 1020.48 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્રણ મલનિઃસારણ પ્રક્રિયા કેન્દ્ર માટે રૂ. 1187.36 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ બધા પ્રકલ્પો પર કરાયેલો ખર્ચ બરોબર છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

આ વ્યવહારો રડાર પર છે કોરોનાકાળમાં વિવિધ બાબતો પર રૂ. 3538.73 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા, જે બરોબર છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત દહિસર ખાતે એક બિલ્ડરની જગ્યા મહાપાલિકા દ્વારા રૂ. 339.14 કરોડમાં ખરીદી કરી હતી. ચાર પુલોના બાંધકામમાં રૂ. 1496 કરોડનો ખર્ચ કઈ રીતે થયો, કોરોનાકાળમાં ત્રણ હોસ્પિટલોમાં કરવામાં આવેલી રૂ.904.84 કરોડની ખરીદી બરોબર છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...