ધારાવીમાં આંતરરાજ્ય ડ્રગ્સની મોટે પાયે તસ્કરી ચાલી રહી છે એવી વિશ્વસનીય માહિતીને આધારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ચાર દિવસ ચાલેલી કામગીરીમાં ધારાવી, થાણે, નવી મુંબઈથી રૂ. 17 લાખના ડ્રગ્સ સાથે પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 1400 સીબીસીએસ બોટલો અને 6000 નાઈટ્રાઝેપામ ટેબ્લેટ્સ જપ્ત કરવામાં આવ્યાં છે, જે ડ્રગ નશા માટે ઉપયોગ કરવામાં આવે છે.
વિશ્વસનીય માહિતીને આધારે તપાસ શરૂ કરતાં નવી મુંબઈના કોપરખૈરાણેથી ડ્રગ્સની પ્રાપ્તિ અને પુરવઠોકરતાં દંપતી ઝેડ કુરેશી અને એસ. ઝેડ કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી. તેમના સંકુલમાંથી ડ્રગ્સ પણ હસ્તગત કરાયું હતું. તેઓ મુખ્યત્વે ધારાવીમાં ડ્રગ્સ વિતરણ કરતા હતા. આ પછી 9 ડિસેમ્બરે તેમની પાસેથી 920 સીબીસીએસ બોટલો હસ્તગત કરાઈ હતી. તેઓ આર સિંહ પાસેથી ડ્રગ્સ પ્રાપ્ત કરતા હતા, જેની સાયનથી ધરપકડ કરાઈ હતી. સિંહ કેરિયર તરીકે કામ કરતો હતો અને ગલીઓમાં ડ્રગ્સ વેચતો હતો. તે ડ્રગ્સની હેરાફેરી અને વિતરણ માટે લોજિસ્ટિકલ ટેકો પણ આપતો હતો.
આરોપીઓએ આપેલી માહિતીને આધારે 10 ડિસેમ્બરે મીરા રોડથી ડ્રગ્સ વિતરક ડી કૌશલની ધરપકડ કરાઈ હતી. તેની પાસેથી 6000 નાઈટ્રાઝેપામ ગોળીઓ અને 7 સીબીસીએસ બોટલો મળી આવી હતી. તેની માહિતીને આધારે 12 ડિસેમ્બરે કાંદિવલીમાંથી પાંડેની ધરપકડ કરાઈ હતી. તેની પાસેથી 480 સીબીસીએસ બોટલો જપ્ત કરાઈ હતી, એમ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર અમિત ઘાવટેએ જણાવ્યું હતું.આ સિંડિકેટ આંતરરાજ્ય પુરવઠાકારો સાથે કડી ધરાવે છે અને ડ્રગ્સ ધારાવીના શખસ પાસેથી પ્રાપ્ત કરાતું હતું. આ સાથે ધારાવીથી ચાલતા આ ડ્રગ્સ સપ્લાય અને વિતરણ ચેઈનના રેકેટનું નેટવર્ક તોડી પાડવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.