ભાસ્કર વિશેષ:ભારતીય નેવીની 13 ઓગસ્ટે પ્રથમ મુંબઈ હેરિટેજ રન

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વર્ણિમ વારસાને પ્રોત્સાહન આપવાના હેતુસર હેરીટેજ રન 2022નું આયોજન

ભારતીય નૌકાદળ દ્વારા શહેરના સ્વર્ણિમ વારસાને પ્રોત્સાહન આપવાના લક્ષ્ય સાથે 13 ઓગસ્ટે દક્ષિણ મુંબઈના હેરિટેજ જિલ્લા આસપાસ અનોખી 10 કિમી અને 5 કિમી રનનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈમાં અનેક હેરિટેજ માળખાંની નેવી કસ્ટોડિયન છે અને શહેરના સમૃદ્ધ ઈતિહાસની કટ્ટર સમર્થક અને પ્રમોટર પણ છે. આ ધ્યાનમાં રાખીને પહેલી જ વાર મુંબઈના હેરિટેજ વારસાના અન્ય હિસ્સાધારકો સાથે ભાગીદારીમાં આ રનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ દોડ દરમિયાન મુંબઈગરાને દક્ષિણ મુંબઈમાં નયનરમ્ય શિલ્પશાસ્ત્ર અને પ્રતિકાત્મક ઓળખનાં વિવિધ પાસાંઓ જોવા મળશે.

દોડના નિયોજિત માર્ગમાં ઘણી બધી ઈમારતો સુંદર વિક્ટોરિયન- ગોથિક અને આર્ટ ડેકો એમ્સેબલ સાથે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની યાદીમાં સ્થાન ધરાવે છે.આ ધ્યાનમાં રાખીને 13 ઓગસ્ટે પહેલી જ વાર ઈન્ડિયન નેવી મુંબઈ હેરિટેજ રન આ વિસ્તારમાં યોજાશે. ભારતની આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપ આયોજિત વિવિધ કાર્યક્રમનો પણ તે ભાગ છે.

આ રનની વધુ એક અજોડ વિશિષ્ટતા મોબાઈલ એપ છે, જે રેસના સહભાગીઓને માર્ગમાં 30 નોંધપાત્ર સ્થળ વિશે રસપ્રદ માહિતી આપશે. જનતા માટે આ દરેક ત્રીસ પ્રતિકાત્મક ઈમારતોના હેરિટેજ મૂલ્યનું વિવરણ કરતાં 13-15 ઓગસ્ટ વચ્ચે ટેક્સ્ટમાં વાર્તા માણવા મળશે. આ રસપ્રદ હેરિટેજ વોક 10 કિમીની છે અને જાહેર જનતા પણ તેમાં ભાગ લઈ શકશે.

10 કિમી અને 5 કિમી રન
યુટૂકેનરનને રેસ મેનેજમેન્ટ પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવી છે, જે આ રન સફળ થાય તેનું ધ્યાન રાખશે. નોંધણી શરૂ કરવામાં આવી છે. બે અંતરની શ્રેણીમાં 10 કિમી વરુણા રન અને 5 કિમી સમુદ્ર રન રહેશે, જે બંને ટાઈમ્ડ છે. જો આ રનને સફળતા મળે તો દર વર્ષે તે યોજવામાં આવશે, એમ સંરક્ષણ દળનાં સૂત્રોએ જણાવ્યું હતું.

તો દર વર્ષે ચાલુ રખાશે
નૌકાદળ દ્વારા દર વર્ષાંતે નેવી રનનું આયોજન કરવામાં આવે છે, જે છેલ્લાં બે વર્ષથી કોવિડને કારણે યોજાઈ નથી. જોકે મુંબઈ હેરિટેજ રન એક અલગ જ ઈવેન્ટ છે અને તેને સારો પ્રતિસાદ મળશે તો દર વર્ષે તે ચાલુ રાખવાનો વિચાર છે, એમ આ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...