કોરોના પછી લોકો જાગૃત થઈ રહ્યા છે અને પેપરલેસ ટિકિટને પસંદ કરી રહ્યા છે. વધુમાં વધુ પ્રવાસીઓ યુટીએસ મોબાઈલ ટિકિટના વિકલ્પને પસંદ કરી રહ્યા છે. યુટીએસ મોબાઈલ એપ દ્વારા મુંબઈ ઉપનગરીય લોકલની ડેઈલી ટિકિટ અને સિઝન ટિકિટની ખરીદીમાં સતત વધારો થઈ રહ્યો છે.
કોરોના વાઈરસની મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી વૈશ્વિક સ્તરે કરોડો નાગરિકોને ફટકો પડ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને ટિકિટબારી પરની ગિરદી ઓછી કરવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે. એના લીધે લોકલની ટિકિટ ખરીદવા ડિજિટલ ઈ-ટિકિટની ખરીદી વધી છે.
કોવિડ પ્રતિબંધાત્મક રસીના બે ડોઝ લીધાને 14 દિવસ પૂરા થયા હોય એવા તમામ સામાન્ય નાગરિકોને ઓગસ્ટ મહિનામાં લોકલમાં પ્રવાસની પરવાનગી આપવામાં આવી હતી. રેલવેની આઈટી કંપની ક્રિસ તરફથી મોબાઈલ પર જ રસીના પ્રમાણપત્રનું વેરિફિકેશન કરવાની ટેકનોલોજી વિકસાવી હતી અને ટિકિટ જારી કરવાનો અનોખો પ્રયોગ સફળ કર્યો હતો. ત્યારથી યુટીએસ મોબાઈલ એપ દ્વારા ટિકિટ બુક કરનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
દરરોજ સરેરાશ 54 હજાર ઈટિકિટનું વેચાણ : 26 મે 2022 સુધી 14 લાખ 20 હજાર ટિકિટનું યુટીએસ મોબાઈલ એપ દ્વારા વેચાણ થયું છે. કુલ 78 લાખ 13 હજાર પ્રવાસીઓએ ઈ-ટિકિટ દ્વારા લોકલમાં પ્રવાસ કર્યો. દરરોજ સરેરાશ 54 હજાર 663 ઈ-ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે અને 3 લાખ 521 પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા છે. માર્ચ 2022માં યુટીએસ મોબાઈલ એપ પરથી કુલ 12 લાખ 79 હજાર 95 અને એપ્રિલ 2022માં 14 લાખ 60 હજાર ઈ-ટિકિટનું વેચાણ થયું હતું. તેથી ઈ-ટિકિટના વેચાણમાં લગભગ 9.45 ટકાનો વધારો થયાની માહિતી મધ્ય રેલવેએ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.