કોર્ટે અરજી ફગાવી:શીના બોરા કેસમાં માતા સાથે રહેવાની ઈન્દ્રાણીની પુત્રીની અરજી કોર્ટે ફગાવી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લંડનમાં રહેતી પુત્રી વિધિએ માતા જેલમાં જતાં તેની હૂંફથી વંચિત રહી હોવાનું જણાવ્યું હતું

શીના બોરા હત્યા પ્રકરણમાં મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખરજીની પુત્રી વિધી મુખરજીએ પોતાને માતા સાથે રહેવાની પરવાનગી મળે એ માટે સીબીઆઈ સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ઈન્દ્રાણીની દીકરી વિધી 10 સપ્ટેમ્બરના ભારત પાછી ફરી રહી છે. આ પહેલાં વિધીએ પોતાને માતા સાથે રહેવાની પરવાનગી મળે એ માટે અરજી કરી હતી. પોતે માતાના પ્રેમ, સાથ અને હૂંફથી વંચિત છે. પોતાને માતા સાથે રહેવા મળે, બીમાર માતાનું ધ્યાન રાખવું એ કોઈ પણ સંતાનનો મૂળભૂત હક છે એમ આ અરજીમાં નોંધવામાં આવ્યું છે.

પોતાની માતા ઈન્દ્રાણી મુખરજીની 2015માં ધરપકડ કરવામાં આવી ત્યારે પોતે સગીર હતી. એની ધરપકડ થઈ ત્યારથી પોતે માતાના સાથ, પ્રેમ અને હૂંફથી વંચિત છે. છેલ્લા સાત વર્ષમાં પોતાના ભાવનાત્મક આરોગ્ય પર ગંભીર અસર થઈ છે. માતાથી દૂર રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. તેથી પોતે માતા સાથે મોકળાશથી વાતચીત કરી શકે એ માટે પોતાને માતા ઈન્દ્રાણી સાથે રહેવાની પરવાનગી આપવામાં આવે એવી વિનંતી વિધીએ અરજીમાં કરી છે.

એની નોંધ લેતા કોર્ટે સીબીઆઈને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એ અનુસાર અરજી પર સીબીઆઈ સ્પેશિયલ કોર્ટના જજ એસ.પી.નાઈક નિંબાળકર સમક્ષ સુનાવણી પાર પડી હતી. આ સુનાવણીમાં સીબીઆઈએ અરજીનો વિરોધ કરતા પોતાની દલીલ કરી હતી. 2015માં શીના બોરા હત્યા પ્રકરણે વિધીની માતા ઈન્દ્રાણી મુખરજીની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણે ઈન્દ્રાણીની બીજી દીકરી વિધી સાક્ષીદાર છે.

આ વર્ષે સુપ્રીમ કોર્ટે ઈન્દ્રાણીના જામીન શરતો સાથે મંજૂર કર્યા હતા. જામીનની શરતોમાં આ પ્રકરણના બીજા સાક્ષીદારો સાથે વાત કરવી નહીં એવી એક શરત છે. એ અનુસાર વિધી મુખરજી એની માતા ઈન્દ્રાણી મુખરજી સાથે રહે તો આ પ્રકરણ પર અસર થઈ શકે છે એવી દલીલ સીબીઆઈએ કરી હતી. સીબીઆઈએ વિધી મુખરજીની અરજીના કરેલા વિરોધની નોંધ લેતા વિધીની અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...