મુંબઈમાં મે મહિનામાં ઘરના વેચાણમાં થોડો ઘટાડો થયો છે. ચાલુ વર્ષમાં જાન્યુઆરી પછી મે મહિનામાં 10 હજાર કરતા ઓછા ઘરનું વેચાણ થયું. રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી ડિપાર્ટમેંટના આંકડા અનુસાર મે મહિનામાં મુંબઈમાં 9 હજાર 714 ઘરનું વેચાણ થયું છે. રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટી તરીકે 718 કરોડ રૂપિયાનું મહેસૂલ મળ્યું છે.
જાન્યુઆરીમાં 8 હજાર 155 ઘરનું વેચાણ થયું હતું. એ પછી ઘરના વેચાણ આંકડા 10 હજારથી વધારે હતા. પણ મે મહિનામાં ફરીથી 10 હજાર કરતા વધુ ઘર વેચાયા નહોતા. દર વર્ષે મે મહિનામાં ઘરના વેચાણમાં ઘટાડો થાય છે. ઉનાળાની રજાઓ હોવાથી અનેક જણ ગામ જાય છે કે બહારગામ ફરવા માટે જાય છે. તેથી ઘર વેચાણ કે રજિસ્ટ્રેશનના વ્યવહાર ઓછા થાય છે.
પરિણામે દર વર્ષે મે મહિનામાં ઘરનું વેચાણ ઓછું થાય છે. મે 2021માં 5 હજાર 630 ઘરનું વેચાણ થયું હતું. એની સરખામણીએ મે 2022માં 9 હજાર 714 ઘરનું વેચાણ થયું છે. એપ્રિલ 2022ની સરખામણીએ આ પ્રમાણ ઓછું છે. એપ્રિલ 2022માં 11 હજાર 743 ઘરનું વેચાણ થયું હતું જેના લીધે 737 કરોડ રૂપિયા મહેસૂલ જમા થયું હતું.
500થી 1000 સ્કવેર ફૂટના ઘરની માગ
મે મહિનામાં 9 હજાર 714 ઘર વેચાયા છે જેમાં 48 ટકા ઘર 500 થી 1000 સ્કવેર ફૂટના છે. આ ક્ષેત્રફળના ઘર સૌથી વધારે વેચાયા છે અને આ ઘરની માગ વધારે છે એમ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. 500 સ્કવેર ફૂટ સુધીની ઘરનો ફાળો 34 ટકા અને 1000 થી 1500 સ્કવેર ફૂટના ઘરનો ફાળો 15 ટકા છે. 2000 સ્કવેર ફૂટ કરતા વધુ મોટા ઘરનો ફાળો ફક્ત 3 ટકા છે.
1 કરોડ રૂપિયાથી ઓછી કિંમતના ઘરની વધારે માગ છે. મે મહિનામાં વેચાયેલા ઘરમાંથી 46 ટકા ઘરની કિંમત 1 કરોડ રૂપિયા કરતા કરતી ઓછી છે. 1 થી 2.5 કરોડ રૂપિયાના ઘરની સંખ્યા 39 ટકા છે. અઢીથી 5 કરોડ રૂપિયા સુધીના ઘરનું પ્રમાણ 10 ટકા છે. 5 થી 10 કરોડ રૂપિયા સુધીની 5 ટકા અને 10 થી 20 કરોડ રૂપિયા સુધીના ઘર 1 ટકો વેચાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.