પ્રશાસને ચિંતા:મુંબઈમાં રસી આપવા પૂર્વે જ બાળકોને ઓરીની બાધા થાય છે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં ઓરીથી બાધિત બાળકોના 0-8 મહિનાના સૌથી વધુ

ઓરીની રસીનો પહેલો ડોઝ નવ મહિના પૂરા થયા પછી બાળકોને અપાય છે. જોકે મુંબઈમાં રસીપાત્ર ઉંમર પૂર્વે જ બાળકો ઓરીથી બાધિત થતા હોવાનું સામે આવતાં પ્રશાસનની ચિંતા વધી છે. સૌથી વધુ આઠ મહિનાઓના બાળકોને ઓરીની બાધા થઈ છે. મુંબઈમાં મળી આવેલા 169 બાળકમાંથી 157 દર્દી રસી લેવા પાત્ર નહોતા, એટલે કે, શૂન્યથી આઠ મહિનાના વયજૂથના હતા. આથી નવજાત બાળકો વિશે ચિંતા વધવા લાગી છે.નવજાતના નવમા મહિને એમઆર 1 અને સોળમા મહિને એમએમઆર રસી અપાય છે. જોકે મુંબઈમાં બાધિતોમાં સૌથી વધિ 0-8 મહિનાના નવજાત છે. ખાસ કરીને 17 નવેમ્બરે મુંબઈમાં મૃત્યુ પામેલી નવજાત બાળકી પણ છ મહિનાની હતી. આથી દેખીતી રીતે જ તેને રસી અપાઈ નહોતી. આને કારણે મહાપાલિકા પ્રશાસન ચિંતામાં છે.

ઓરી પેરામાયક્સો વાઈરસના ચેપથી થાય છે. આ વાઈરસનો ચેપ લાગુ થયા પછી સામાન્ય રીતે 10-12 દિવસમાં ઓરીનાં લક્ષણો દેખાવાં લાગે છે. આ બીમારીમાં ખાંસી અથવા છીંક આવે છે, જેમાંથી વાઈરસ હવામાં ફેલાય છે અને આ વાઈરસના સંપર્કમાં આવતી વ્યક્તિઓને પણ ઓરીની બાધા થઈ શકે છે. આથી સાવધાની રાખવી જરૂરી છે, એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.દરમિયાન મુંબઈમાં ઓરીના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી હોવાથી મુંબઈ મહાપાલિકાએ સર્વેક્ષણ, તપાસ, સારવાર અને તકેદારી પર ભાર મૂક્યો છે. દર્દીઓની સંખ્યા રોકવા માટે ઝૂપડપટ્ટી ભાગ સહિત મુંબઈમાં દરરોજ 150 તપાસ શિબિર આયોજિત કરવામાં આવશે. આ બાબતે કાર્યવાહી કરવા વોર્ડ પ્રમાણે નિર્દેશ આપ્યાની માહિતી મહાપાલિકા અતિરિક્ત આયુક્ત ડો. સંજીવ કુમારે આપી હતી. મુંબઈમાં ઓરીનો રોગ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ઓરી પ્રતિબંધક રસી ન મૂકાવનાર બાળકો એની ચપેટમાં આવી રહ્યા છે.

વોર રૂમનો તરત સંપર્ક કરવો
ઓરી પર નિયંત્રણ રાખવા પોતાના કુટુંબના બાળકોને ઓરીની પ્રતિબંધાત્મક રસી ન મૂકાવી હોય તો તરત મૂકાવવી એવી હાકલ મહાપાલિકાના આરોગ્ય વિભાગે કરી છે. દરમિયાન કોરોનાના સમયમાં નિયોજન માટે શરૂ કરવામાં આવેલા વોર રૂમનો સંપર્ક કરવો એવી હાકલ પણ પ્રશાસન તરફથી કરવામાં આવી છે. કોવિડ-19 વોર રૂમ ઓરી મહામારી નિયંત્રણ કક્ષ તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યા છે એવી માહિતી મહાપાલિકા તરફથી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...