અનધિકૃત પ્રવાસ વિરુદ્ધ પશ્ચિમ રેલવેએ ઝુંબેશ ચાલુ જ રાખી છે, જેને લીધે ફરી એક વાર ખુદાબક્ષો પાસેથી વિક્રમી દંડ વસૂલી કરી છે. આશરે 2072 ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા મે 2022માં આ કામગીરી પાર પાડવામાં આવી હતી.માર્ચ 2022થી સ્ટાફ દ્વારા અનધિકૃત પ્રવાસ કરનારને પકડીને દંડ વસૂલી કરવામાં વિક્રમી કામગીરી નોંધાવવામાં આવી રહી છે. માર્ચ 2022માં રૂ. 18.35 કરોડ, એપ્રિલ 2022 રૂ. 21.82 કરોડ અને હવે મે 2022માં રૂ. 25.98 કરોડની દંડ વસૂલી કરી છે, જે ગયા વર્ષે આ જ સમયગાળાની તુલનામાં 34 ટકા વધુ છે.
મે 2022માં તપાસ દરમિયાન ટિકિટ વિના, અનિયમિત પ્રવાસ અને લગેજ લીધા વિના સામાન લઈ જવાના 3.64 લાખ કેસ પકડાયા હતા, જેના થકી રૂ. 25.98 કરોડની વિક્રમી દંડ વસૂલી કરાઈ છે, એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.
મે 2022માં મુંબઈ ડિવિઝન દ્વારા રૂ. 12.25 કરોડની દંડ વસૂલી કરવામાં આવી છે, જે મોટી સિદ્ધિ છે, કારણ કે આ મહિના માટે સ્ટાફને અનધિકૃત પ્રવાસ વિરુદ્ધ વિશેષ ઝુંબેશ ચલાવીને રૂ. 1.26 કરોડ સુધી દંડ વસૂલી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેનો અર્થ મે 2022માં દંડ વસૂલીમાં 871 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. મુંબઈ સેન્ટ્રલ ટિકિટ ચેકિંગ સ્ટાફ અને વડામથકની ફ્લાઈંગ સ્ક્વોડના સમર્પિત પ્રયાસોના ભાગરૂપ અનધિકૃત પ્રવાસના કેસ પકડાવાનું વધ્યું છે.
ફ્લાઈંગ સ્ક્વોડનું પણ ઉત્તમ કામ
વડામથકની ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે પણ ઉત્તમ કામ કર્યું હતું. આ સ્ક્વોડના 22 જણના સ્ટાફે દંડ તરીકે રૂ. 2 કરોડની વસૂલી કરી હતી, જેનો અર્થ દિવસમાં સ્ટાફ દીઠ રૂ. 38,000થી વધુની દંડ વસૂલી કરવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના સર્વ અન્ય ડિવિઝન દ્વારા પણ ટિકિટ ચેકિંગમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ અને ભાવનગર ડિવિઝન દ્વારા મે 2022માં છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ માસિક દંડ વસૂલી કરવામાં આવી છે. પ્રવાસ દરમિયાન અસુવિધા ટાળવા માટે અને દંડ ભરવો નહીં પડે તે માટે પ્રમાણિત ટિકિટ લઈને અથવા લગેજ હોય તો તે બુક કરીને જ પ્રવાસ કરવો જોઈએ એવો અનુરોધ તેમણે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.