વિદેશપ્રવાસની તૈયારી:મહારાષ્ટ્રમાં ખેડૂતો બેહાલ છે ત્યારે શાસક અને વિપક્ષ વિધાનસભ્યો વિદેશપ્રવાસની તૈયારીમાં

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં જ પૂરા થયેલા ચોમાસુ સત્રમાં એકબીજા વિરુદ્ધ આક્રમક ભૂમિકા લેનારા હવે એકત્ર અભ્યાસયાત્રા પર જશે

રાજ્યમાં એક બાજુ લીલો દુકાળ છે. ખેડૂતો પૂરને લીધે થયેલા નુકસાનને કારણે બેહાલ છે. તેમને મળેલી સરકારી મદદ વિશે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. આવા સમયે વિધાનમંડળના તાજેતરમાં જ પૂરા થયેલા ચોમાસુ સત્રમાં એકબીજા વિરુદ્ધ આક્રમક ભૂમિકા લેનારા વિધાનસભ્યો હવે એકત્ર અભ્યાસયાત્રા નિમિત્તે વિદેશ પ્રવાસે જવાની તૈયારીમાં લાગી ગયા છે.

શાસક અને વિપક્ષના 16 વિધાનસભ્યો 16મીથી 25મી સપ્ટેબર સુધી ઈઝરાયલ અને દુબઈમાં અભ્યાસયાત્રા પર જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે વિધાનમંડળના શિયાળુ સત્રમાં સભાગૃહમાં વિરોધીઓએ સત્તાધારીઓને 50 ખોખાં- 50 ખોખાંની ઘોષણા આપીને ચીઢાવ્યા હતા તેઓ હવે એકત્ર આ વિદેશપ્રવાસ કરવાના છે.

કોરોના મહામારીને લીધે વિધાનસભ્યોનો વિદેશપ્રવાસ થઈ શક્યો નહોતો. હવે કોરોનાનું સંકટ દૂર થયું છે. આથી બે વર્ષ પછી બધું જ સંપૂર્ણ ક્ષમતાથી શરૂ થયું છે ત્યારે વિધાનસભ્યોની વિદેશયાત્રા પણ કઈ રીતે પાછળ રહી શકે? આખરે 16 વિધાનસભ્યોનાં નામ આ યાત્રા માટે નક્કી થયાં છે. આ યાત્રા નવ દિવસની રહેશે. તે માટે સર્વપક્ષી વિધાનસભ્યોની પસંદગી કરવામાં આવી છે. વિધાન પરિષદ અને વિધાનસભાના સચિવો પણ આ અભ્યાસયાત્રા પર જશે.

આ વિદેશપ્રવાસ વિશે રાષ્ટ્રવાદીના વિધાનસભ્ય અમોલ મિટકરીએ જણાવ્યું હતું કે દેખીતી રીતે જ આ અભ્યાસ યાત્રાનો ખર્ચ સરકાર કરશે. હું ખેડૂતનો પુત્ર છું. આથી આ પ્રવાસમાં મને કૃષિ સંબંધી બાબતો મને સમજાશે. જોકે ખોખાંવાળાઓને શું સમજાવાનું છે એવો ટોણો પણ તેમણે માર્યો હતો. દરમિયાન એવી ચર્ચા ચાલી રહી છે કે રાજ્ય અનેક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આવી વિદેશયાત્રા જનપ્રતિનિધિઓએ ટાળવી જોઈએ. ખાસ કરીને ખેડૂત સંકટમાં છે, સરકાર પણ સંકટમાં છે. આવા સંજોગોમાં વિદેશયાત્રા કઈ રીતે સૂઝે છે તે જ સમજાતું નથી.

કોણ જશે વિદેશપ્રવાસે
દરમિયાન પ્રાપ્ત માહિતી અનુસાર વિધાનસભ્યોમાં પ્રશાંત બંબ, સુરેશ ભોલે, મેઘના બોર્ડીકર, યામિની જાધવ, સદા સરવણકર, રાજેન્દ્ર યડ્રાવકર, કૈલાશ પાટીલ, અનિલ પાટીલ, ચંદ્રકાંત નવઘારે, યશવંત માને, સંગ્રામ થોપટે, મોહનરાવ હંબર્ડે, ગોપીચંદ પડલકર, અમોલ મિટકરી, અભિજિત વંજારી, શ્વેતા મહાલેનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...