અકસ્માત:પુણે એક્સપ્રેસ વે પર અકસ્માતમાં ફરી સળિયો કારની આરપાર થયો

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે થયેલા ભીષણ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યાં હતા

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર શનિવારે ફરીથી અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ડિવાઈડરનો આ રોડ એટલે કે સળિયો કારની આરપાર નીકળી ગયો હતો. સોમાટણે ફાટા પર ડિવાઈડરનો આખો રોડ કારની બરોબર વચ્ચેથી આરપાર નીકળી ગયો હતો. જો કે રામ રાખે એને કોણ ચાખે કહેવત અનુસાર કારમાં બેઠેલા ત્રણ પ્રવાસીઓ આબાદ બચી ગયા હતા.

અકસ્માતના ફોટો જોયા બાદ લાગે કે અંદર બેઠેલા પ્રવાસીઓની શું હાલત થઈ હશે. પણ સદનસીબે સળિયો તેમની વચ્ચેથી પાર થયો હતો અને કોઈના મૃત્યુ થયા નહોતા. આ અકસ્માતમાં એક પ્રવાસીને થોડી ઈજા થઈ હતી અને એને તરત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

દરમિયાન મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર શુક્રવારે સવારના થયેલા ભીષણ અકસ્માતમાં 3 જણના મૃત્યુ થયા હતા. આ અકસ્માત એક્સપ્રેસ વે પરના ઉર્સે ગામ નજીક થયાની માહિતી શિરગાવ પોલીસે આપી હતી. આ અકસ્માત મુંબઈથી પુણે જતા સમયે થયો હતો. એમાં આગળ જતી ટ્રક સાથે પુરપાટ ઝડપે ચલાવાઈ રહેલી કાર પાછળથી અથડાઈ હતી અને કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સવારના સાડા સાત વાગ્યના સુમારે આ અકસ્માત થયો હતો.

પોલીસે આપેલી માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત કાર મુંબઈથી પુણેની દિશામાં જઈ રહી હતી. ઉર્સે ગામ નજીક ડ્રાઈવરનું કાર પરથી નિયંત્રણ છૂટી ગયું હતું. આ ભીષણ અકસ્માતમાં ડ્રાઈવર સહિત કારમાં બેઠેલા અન્ય બે પ્રવાસીના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના બોનેટ સહિત આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

કારની હાલત એટલી ખરાબ હતી કે પતરા કાપવાના મશીનથી કારનો ભાગ કાપવો પડ્યો અને એ પછી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતના કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. શિરગાવ પોલીસે ઘણા પ્રયત્ન કરીને વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.

એક્સપ્રેસ વે પર સુરક્ષાનો પ્રશ્ન સપાટી પર
મુંબઈ અને પુણે જેવા મહત્વના બે શહેરોને જોડતા આ એક્સપ્રેસ હાઈવે પર વાહન પુરઝડપે ચલાવવામાં આવે છે. એની સરખામણીએ આ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ ઘણું છે. અનેક વખત નાનામોટા અકસ્માતમાં પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. અનેક કુટુંબ ઉધ્વસ્ત થયા છે. છતાં યોગ્ય સુવિધા ઉપલબ્ધ થઈ નથી. અકસ્માતોની પરંપરા ક્યારે બંધ થશએ એ પ્રશ્ન છેલ્લા અનેક વર્ષથી ચર્ચાઈ રહ્યો છે. સરકારે ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેંટ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ પ્રકલ્પ 340 કરોડ રૂપિયાનો છે. એમાં 115 કરોડ રૂપિયા સિસ્ટમ લગાડવા અને બાકીના 225 કરોડ રૂપિયા આગામી દસ વર્ષ સુધી મેઈનટેનન્સ માટે કોન્ટ્રેક્ટરને આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...